“લાયન ક્વિન ઓફ ઇન્ડિયા” તરીકે પ્રસિદ્ધ રશીલા પી વાઢેરને “સેવ ધ સ્પેસિસ એવોર્ડ” એનાયત
2020 નેટવેસ્ટ ગ્રૂપ અર્થ હીરોઝ એવોર્ડ્ઝના વિજેતાઓની જાહેરાત
નવી દિલ્હી, નેટવેસ્ટ ગ્રૂપનું આંતરરાષ્ટ્રીય ક્ષમતા કેન્દ્ર નેટવેસ્ટ ગ્રૂપ ઇન્ડિયા (અગાઉ આરબીએસ ઇન્ડિયા તરીકે જાણીતું હતું)એ આજે નેટવેસ્ટ ગ્રૂપ અર્થ હીરોઝ એવોર્ડ્ઝની 10મી એડિશનનાં વિજેતાઓની જાહેરાત કરી હતી. આ વિજેતાઓ એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ છે, જેમણે વન્યજીવનું સંરક્ષણ અને રહેવાસીઓ તથા સમુદાયોના કલ્યાણ કરવા નોંધપાત્ર કામ કર્યું છે, જેથી 2020 એવોર્ડ્ઝ માટેની થીમ “જૈવવિવિધતાનું સંરક્ષણ અને સતત વિકાસ” પર નોંધપાત્ર અસર થઈ છે.
આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ્ઝ વ્યક્તિઓ અને સંસ્થાઓની ભારતની જૈવવિવિધતા અને મહત્ત્વપૂર્ણ કુદરતી ઇકોસિસ્ટમ્સનું રક્ષણ કરવા ફરજથી વધીને ખંત અને દ્રઢતાનું પ્રતીક છે, જેના પરિણામે આબોહવામાં પરિવર્તનનો સામનો કરવામાં મોટી મદદ મળી છે. આ એવોર્ડ્ઝના આઠ વિજેતાઓનું એક વર્ચ્યુઅલ સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ સંયુક્ત રાષ્ટ્રના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ અને જૈવવિવિધતા પર સંમેલનના એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રીમતી એલિઝાબેથ મારુમા મરેમા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વિજેતાઓમાં “લાયન ક્વિન ઓફ ઇન્ડિયા” તરીકે પ્રસિદ્ધ શ્રીમતી રશીલા પી વાઢેર સામેલ છે. તેઓ ગુજરાતના ગીર, સાસણમાં ગુજરાત વન વિભાગના વન્યજીવ બચાવ વિભાગના લીડર છે અને તેમણે સિંહ, દીપડા, સાપ, અજગર અને અન્ય વન્યજીવને બચાવવા માટે 800થી વધારે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે. તેમની ખંત અને સમર્પણની ભાવના અન્ય મહિલા વન્યકર્મીઓ માટે પ્રેરણારૂપ છે. શ્રીમતી વાઢેરના કાર્યએ યુવાન મહિલાઓને વન્ય સેવાઓમાં સામેલ થવા પ્રેરણા આપી છે, જેથી છેલ્લાં થોડાં વર્ષોમાં આ સેવાઓ માટે મહિલા અરજદારોની સંખ્યામાં વધારો થયો છે.
રેસ્ક્યુ ઓપરેશન, મનુષ્ય-પ્રાણી વચ્ચે સંઘર્ષને ટાળવા, સ્ટાફને તાલીમ અને બચાવવામાં આવેલી પ્રાણીઓની ઇજાઓની સારવારના શ્રીમતી વાઢેરના પ્રયાસોએ એશિયાટિક સિંહના ગઢ તરીકે ગીરને વિકસાવવા પર મહત્ત્વપૂર્ણ અસર કરી છે. ગુજરાતમાં પ્રથમ મહિલા ફોરેસ્ટ સ્ટાફની ટીમમાં ફોરેસ્ટર તરીકે તેમની કામગીરી અને ફિલ્ડમાં તેમનાં પ્રદાનની ગુજરાત અ ભારતના નાગરિકોએ પ્રશંસા કરી છે.
આ એવોર્ડ મળતા ખુશ થયેલા શ્રીમતી વાઢેરે કહ્યું હતું કે, “અમે કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરમાં હંમેશા સતર્ક રહીએ છીએ. મને મારી ટીમની કામગીરીને કારણે એવોર્ડ મળ્યો હોવાથી હું મારી સંપૂર્ણ ટીમનો તથા નેટવેસ્ટ ગ્રૂપનો અર્થ હીરો એવોર્ડ એનાયત કરવા માટે આભાર માનું છું.”
આ પ્રસંગે આદરણીય મુખ્ય અતિથિ શ્રીમતી એલિઝાબેથ મારુમાએ કહ્યું હતું કે, “ભારતની જૈવવિવિધતાનું વર્ષોથી સંરક્ષણ કરવા માટે આ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંસ્થાઓની પ્રતિબદ્ધતા અને સમર્પણને બિરદાવવું ખરેખર ગર્વની વાત છે. હું આંતરિક નીતિઓ વિકસાવીને ભારતના સંરક્ષણ લક્ષ્યાંકો હાંસલ કરવા સતત પ્રતિબદ્ધતા દાખવા બદલ નેટવેસ્ટ ગ્રૂપને અભિનંદન આપું છું.
આ નીતિઓ યુએન એડેપ્ટેશન ફંડ સાથે પાર્ટનરશિપમાં જંગલો, ભીની જમીનો અને મેન્ગ્રોવ્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ કરીને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતાં અર્થતંત્રમાં આગળ વધવા માટે મદદરૂપ છે. આ માટે નેટવેસ્ટ ગ્રૂપે અર્થ હીરોઝ એવોર્ડ્ઝ દાયકાથી શરૂ કર્યો છે એ ખરેખર ગર્વની બાબત છે.”
નેટવેસ્ટ ગ્રૂપ ઇન્ડિયાના સસ્ટેઇનેબલ બેંકિંગના હેડ અને આરબીએસ ફાઉન્ડેશનના સીઇઓ એન સુનિલકુમારે વિજેતાઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, “આપણી હાલની સ્થિતિમાં આપણી જૈવવિવિધતાનું સંરક્ષણ અને આબોહવાના જોખમો ઘટાડવા વધારે મહત્ત્વપૂર્ણ છે. અમને આ એવોર્ડના 10 વર્ષ અને એવોર્ડવિજેતાઓના કાર્ય દ્વારા સંયુક્ત અસર પર ગર્વ છે. નેટવેસ્ટ ગ્રૂપ અર્થ હીરોઝ એવોર્ડ્ઝ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને આદરના જુસ્સા સ્વરૂપે આપવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને દેશ એનો પ્રકૃતિનું રક્ષણ કરવાનો સમૃદ્ધ વારસો ધરાવે છે. આ એવોર્ડવિજેતાઓની જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા માટે ઉત્કૃષ્ટ કામગીરીની સીધી અસર આબોહવાની પ્રતિકૂળ અસર ઘટાડવા માટે થઈ છે. 2020ની એડિશનના આ આઠ વિજેતાઓ – ચેમ્પિયન્સ ઓફ અર્થને સમુદાયોમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને ઇકોસિસ્ટમ પર તેમના કાર્યોની અસર બદલ હું તેમને અભિનંદન આપું છું. આ અનુકરણીય ઉદાહરણો છે.”
આ પ્રસંગે નેટવેસ્ટ ગ્રૂપના હેડ ઓફ ઇન્ડિયા પુનિત સૂદે કહ્યું હતું કે, “ઉદ્દેશલક્ષી સંસ્થા તરીકે અમે અર્થસભર કામગીરી અને પરિવર્તન દ્વારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા આબોહવામાં પરિવર્તન સામેની લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવવા કટિબદ્ધ છીએ. નેટવેસ્ટ ગ્રૂપ અર્થ હીરોઝ એવોર્ડ્ઝ ભારતના કેટલાંક ઉત્કૃષ્ટ નાગરિકો પ્રત્યે આપણી કૃતજ્ઞતા દર્શાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે, જેમણે આબોહવામાં પરિવર્તન સામે લડવા અને પૃથ્વીની જૈવિક વિવિધતાને બચાવવા માટે ખંતપૂર્વક કામ
કર્યું છે.”
વર્ષ 2011માં શરૂ થયેલો નેટવેસ્ટ ગ્રૂપ અર્થ હીરોઝ એવોર્ડ્ઝ (અગાઉ આરબીએસ હીરોઝ એવોર્ડ્ઝ તરીકે જાણીતો હતો)નો ઉદ્દેશ ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાનું રક્ષણ અને જતન કરવા અસાધારણ કામ કરનાર ચેમ્પિયન્સને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. એવોર્ડવિજેતાઓની પસંદગી કન્ઝર્વેટિવ સાયન્સ અને મેનેજમેન્ટ, મીડિયા અને સરકારના પ્રસિદ્ધ વ્યક્તિઓની સ્વતંત્ર પેનલે કરી છે.
વર્ષ 2007માં નેટવેસ્ટ ગ્રૂપ (અગાઉ આરબીએસ ગ્રૂપ તરીકે જાણીતું હતું)એ આરબીએસ ફાઉન્ડેશન ઇન્ડિયાની રચના કરી હતી, જેનો ઉદ્દેશ મહત્ત્વપૂર્ણ કુદરતી ઇકોસિસ્ટમ અને વંચિત સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતના સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસના લક્ષ્યાંકો (પછી મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ)માં પ્રદાન કરવાનો છે. આજીવિકા વધારવા અને કુદરતી સંસાધનોના સતત ઉપયોગ/જતન પર કામ કરતાં ફાઉન્ડેશને 11 રાજ્યોમાં 22 વર્તમાન પ્રોજેક્ટ્સ દ્વારા 1,23,650થી વધારે પરિવારોને અસર કરી છે, જેમાંથી કેટલાંક પ્રોજેક્ટને રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા બિરદાવવામાં આવ્યાં છે તથા સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ ટૂરિઝમ સંસ્થા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.