લારી પર નાસ્તો કરવા માસ્ક ઉતારનારને પોલીસે દંડ કર્યો
અમદાવાદ: અંગ્રેજીમાં એક કહેવત છે જેના મુજબ હોઠ અને કપ વચ્ચે ઘણી સ્લિપ હોઈ શકે છે. આ કહેવત બે અમદાવાદી આઈટી પ્રોફેશનલ્સ માટે બિલકુલ સાચી ઠરી જ્યારે તેમણે પાણીપૂરી ખાવા માટે પોતાનું માસ્ક નીચે કર્યું અને પોલીસે તેમને ૧૦૦૦નો દંડ ફટકારી દીધો. કોરોના મહામારીને લઈને પોલીસ અને કોર્પોરેશન જાહેરમાં માસ્ક ન પહેરનારાઓ પર કડક પગલા લઈ રહી છે અને ૧૦૦૦ સુધીનો દંડ કરવામાં આવે છે. આ ઘટના શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ એક જાણીતા પાણીપુરીના સ્ટોલ પાસે ઘટી છે. પોલીસ આઈટી પ્રોફેશનલ્સની એ વાતને માન્ય ન રાખી કે તેઓ પાણીપુરી ખાવા માટે માસ્ક ઉતારીને ઉભા છે. બીજા આવા જ એક કેસમાં ઘાટલોડિયામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાને વડાપાઉન ખાવાની તેની ઈચ્છા મોંઘી પડી
જ્યારે બટરમાં શેકાયેલા વડાપાઉનનો ટેસ્ટ મોઢામાં જાય તે પહેલા જ પોલીસે તેને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકારી દીધો. જોકે મહિલાએ તેનો જોરદાર વિરોધ કરતા કહ્યું કે તેણે કોઈ ગુનાનો ભંગ નથી કર્યો અને ફક્ત વડાપાઉં ખાવા માટે તેણે માસ્ક નીચે કર્યું છે. જોકે પોલીસે તેની વાત ન માનતા મહિલા ફિઝિયોથેરાપિસ્ટ સામે કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી એફઆઈઆર નોંધી છે. નારણપુરા પોલીસ દ્વારા આ દંડની કાર્યવાહીનો ભોગ બનેલી મહિલાએ પૂછ્યું કે મને વડાપાઉની પ્લેટ હજુ હાથમાં મળવાની જ હતી અને પોલીસે માસ્ક ન પહેરવા માટે દંડ કર્યો. માસ્ક પહેરીને હું કઈ રીતે ખાઈ શકું?
રાજ્ય સરકાર દ્વારા અનલોકના જુદા જુદા તબક્કા હેઠળ રાજ્યમાં વેપાર ધંધા અને ઉદ્યોગને ખોલવાની મંજૂરી આપતા રાજ્યના અર્થતંત્રને પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ બીજી તરફ પોતાની ભૂખને શાંત કરવા માટે લારી કે સ્ટોલ પર જતા લોકોને માસ્ક ન પહેરવા માટે દંડવામાં આવી રહ્યા છે. જેના બચાવમાં પોલીસ કહી રહી છે કે આ એક જરુરી પગલું છે. ખાસ કરીને ટી સ્ટોર અને નાસ્તાપાણીની લારીઓ પર વધુ ભીડને જામતી રોકવા અને મહામારીને ફેલાતી રોકવા માટે લોકોમાં કોરોના હાઈજીન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કડક નિયમની અમલવારી જરુરી છે.