લાલકિલ્લા પરથી 8મી વખત રાષ્ટ્રધ્વજ લહેરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ચીન-પાકિસ્તાનને આકરો સંદેશ: અનામત ચાલુ રાખવાનો સંકલ્પ: 66 વખત ‘ભારત’ અને 29 વાર ‘કિસાન’ શબ્દપ્રયોગ
નવી દિલ્હી, દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઐતિહાસિક લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવવાની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 લાખ કરોડની ગતિશક્તિ યોજનાનું એલાન કર્યુ હતું અને આઝાદીના 75 વર્ષને એક સમારોહ પુરતુ સીમીત નહીં રાખવાનું આહવાન કર્યુ હતું.
લાલકિલ્લા પરથી 88 મીનીટના સંબોધનમાં તેઓએ જણાવ્યું હતું કે હવેના 25 વર્ષ દેશ માટેનો અમૃતકાળ છે અને આઝાદીના 100 વર્ષને ગૌરવપૂર્ણ બનાવવા માટે નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે. તેઓએ કહ્યું હતું કે અમૃતકાળનું લક્ષ્ય દેશમાં સુવિધાઓની ભરમાર ઉભી કરવા સાથે છે દેશને વધુ સમૃદ્ધ બનાવવાનો આ જ સાચો યોગ્ય સમય છે. અત્યાર સુધી દેશની ચારેય દિશાઓના ખુણેખુણે તમામ આવશ્યક સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ હતો.
પરંતુ એનુ લક્ષ્ય દરેક ખુણે 100 ટકા સુવિધાઓ પહોંચાડવાનો રહેશે. આ તકે તેઓએ 100 લાખ રૂપિયાના ખર્ચવાળી ગતિશક્તિ યોજનાનું એલાન કર્યુ હતું. જેનાથી માળખાગત ક્ષેત્રોનો વિકાસ થશે અને લાખો યુવકોને રોજગારી મળશે. અનામત વ્યવસ્થા ચાલુ જ રાખવાનો સંકલ્પ દર્શાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમાજના પછાત તથા વંચિત લોકોનો હાથ પકડવાનું અનિવાર્ય છે. નાના ખેડુતોની સમૃદ્ધિ વિકાસ પર જોર આપવા સાથે તેઓએ કહ્યું કે કિસાનોના આ વર્ગને જ સરકારી યોજનાઓનો મહતમ લાભ મળવો જોઈએ.
વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સ્વાતંત્ર્ય દિને 8મી વખત લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવીને સંબોધન કર્યુ હતું. 90 મીનીટના ભાષણમાં 66 વખત ભારત તથા 29 વખત કિસાનનો શબ્દપ્રયોગ કર્યો હતો. તેઓએ સંબોધનમાં પાડોશી રાષ્ટ્રો ચીન તથા પાકિસ્તાનને સખ્ત સંદેશ આપતા કહ્યું હતું કે ભારત હિમ્મતપૂર્વક આતંક તથા વિસ્તારવાદના પડકારનો સામનો કરી રહ્યું છે. સર્જીકલ સ્ટ્રાઈક તથા એર સ્ટ્રાઈકના આધારે ભારતે દર્શાવી દીધુ છે કે નવુ ભારત કોઈપણ નિર્ણય લેવામાં સક્ષમ છે.
લાલકિલ્લા પરથી 10 મુખ્ય ઘોષણા
દેશને શ્રેષ્ઠ-સમૃદ્ધ બનાવવાનો અત્યારે જ યોગ્ય સમય: મોદી
આઝાદી પર્વ પર લાલકિલ્લા પરથી સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક ઘોષણા કરી હતી. ભારતને શ્રેષ્ઠ-સમૃદ્ધ બનાવવાનો આ જ સાચો સમય ગણાવ્યો હતો. ભલે પોતે ભવિષ્યવેતા નથી પરંતુ કર્મમાં વિશ્વાસ રાખે છે.
વડાપ્રધાનનો નવો મંત્ર
વડાપ્રધાને નવો મંત્ર આપ્યો હતો. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. આ સૂત્ર લક્ષ્ય પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યુ હતું. યુવાવર્ગને પ્રેરણા આપતી કવિતાનું પણ પઠન કર્યુ હતું.
ગતિશક્તિ યોજના
100 લાખ કરોડની ગતિશક્તિ યોજનાનો માસ્ટરપ્લાન તુર્તમાં જાહેર કરાશે. આ યોજનાથી લાખો લોકોને રોજગારી મળશે. આ યોજના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રનો રાષ્ટ્રીય માસ્ટરપ્લાન હશે.
સૈનિક સ્કુલોમાં છોકરીઓને પ્રવેશ
તેઓએ એલાન કર્યુ હતું કે હવે તમામ સૈનિક સ્કુલોમાં વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવશે. દેશમાં 33 સૈનિક સ્કુલ છે.
અનામત ચાલુ રહેશે
સમાજના પછાત તથા વંચિત વર્ગોના હાથ પકડવાનું અનિવાર્ય છે. એટલે અનામત વ્યવસ્થા જારી રાખવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
ગામડાઓને ઈ-વાણિજય પ્લેટફોર્મ
સરકાર ગામડાઓમાં મહિલા સ્વયંસહાયના જુથ દ્વારા ઉત્પાદીત ચીજો માટે ઈ-વાણીજય પ્લેટફોર્મ ઉભુ કરશે.
યુવાવર્ગ દરેક લક્ષ્ય હાંસલ કરી શકે
યુવા વર્ગ પર સંપૂર્ણ ભરોસો છે અને કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકે છે. પોતે કર્મફળમાં વિશ્વાસ રાખે છે.
નાના ખેડુતોના વિકાસ પર ફોકસ
નાના ખેડુતોની સમૃદ્ધિ પર ફોકસ હોવાનું જાહેર કરતા તેઓએ કહ્યું કે ખેતરોના ઘટતા આકાર પડકારરૂપ છે. સરકારી યોજનાઓનો મહતમ લાભ નાના ખેડુતોને મળવો જોઈએ.
અર્થતંત્રમાં સારી પ્રગતિ
સરકારી યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચ્યો છે અને તેના આધારે આર્થિક પ્રગતિ સારી છે. હવે તમામ મોરચે 100 ટકા લક્ષ્ય હાંસલ કરવાનું છે.
ગરીબી સામેની લડાઈ શિક્ષણ
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીની અનિવાર્યતા છે અને ગરીબી નાબુદી માટેનું હથિયાર છે.
કોરોના રસીકરણ ગૌરવપૂર્ણ
ભારતે કોરોના સામે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ કર્યો છે. 54 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.