લાલદરવાજાઃ એટીએમ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા
નગરશેઠના વંડા પાસે આવેલ સીન્ડીકેટ બેંકના એટીએમ સેન્ટરને વહેલી સવારે બુકાનીધારી બે શખ્સોએ ગેસ ગટરથી એટીએમ તોડવાનો કરેલો પ્રયાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળી પૂર્વે તસ્કરોનો તરખાટ જાવા મળી રહયો છે ત્યારે પોલીસતંત્ર દ્વારા ચોરી અને લૂંટફાટની ઘટનાઓ અટકાવવા માટે નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહયા છે તથા દિવસ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહયું છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સોની બજારમાં સન્નાટો ફેલાયો છે. એક પછી એક ચોરી અને લુંટની ઘટનાઓથી જવેલર્સોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના લાલદરવાજા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં નગરશેઠના વંડામાં આવેલું એટીએમ સેન્ટર ગેસ ગટરથી કાપવાનો તસ્કરોએ પ્રયાસ કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ અંગે કારંજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દિવાળીનો તહેવાર શરૂ થયો છે ત્યારે બજારોમાં ભારે ભીડ જાવા મળી રહી છે. બજારમાં ઉમટી પડેલા નાગરિકોને પોલીસતંત્ર દ્વારા પાકિટ અને રૂપિયા સલામત રાખવા માટેની સમજણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ અટકાવવા માટે નાઈટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહયું છે તેમ છતાં શહેરમાં ચોરીની મોટી ઘટનાઓ બનતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
ગઈકાલે શહેરના માણેકચોક વિસ્તારમાં સોનીને ત્યાં નોકરી કરતા કર્મચારીની પાસેથી રૂ.ર૩ લાખનું સોનુ તફડાવી લેવાની ઘટના ઘટી હતી. શહેરમાં ચોરીની બનેલી ઘટનાઓની તપાસ ચાલુ છે તેમ છતાં તસ્કરો એક પછી એક જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકી ઘરફોડ ચોરીને અંજામ આપી રહયા છે. શહેરના હાર્દસમાન લાલ દરવાજા વિસ્તારમાં અનેક મુખ્ય બજારો આવેલા છે અને અહીંયા એએમટીએસનું બસ સ્ટેન્ડ હોવાથી મોડી રાત સુધી ભારે અવરજવર જાવા મળતી હોય છે. આ દરમિયાનમાં ગઈકાલ રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
લાલદરવાજા વિસ્તારમાં નગરશેઠના વંડા પાસે આવેલી સીડીકેટ બેંકની શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિમલભાઈ મોહનલાલ સવારે નિત્યક્રમ મુજબ બેંક પર પહોંચ્યા હતા અને રાબેતા મુજબ તેઓ બેંકની બાજુમાં જ આવેલા એટીએમ સેન્ટરની તપાસ કરવા ગયા હતાં એટીએમ સેન્ટરનો દરવાજા ખોલતા જ તેઓ ચોંકી ઉઠયા હતાં. રાત્રિ દરમિયાન એટીએમ સેન્ટર કાપવાનો પ્રયાસ થયો હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે તેમણે તાત્કાલિક એટીએમ સેન્ટરમાં લગાવવામાં આવેલા સીસીટીવીના કુટેજા કઢાવ્યા હતા.
બેંક મેનેજરે સીસીટીવી ચેક કરતા સવારે પ.૦૦ વાગ્યાની આસપાસ મોઢા પર રૂમાલ બાંધેલી હાલતમાં બે શખ્સો એટીએમ સેન્ટરમાં પ્રવેશતા જાવા મળી રહયા છે. સેન્ટરમાં પ્રવેશ કર્યાં બાદ બંને શખ્સોએ ગેસ કટરથી એટીએમ કાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે મહેનત કરવા છતાં એટીએમ નહી કપાતા આખરે બંને શખ્સો ગેસ ગટર લઈ પરત બહાર નીકળી ગયા હતાં આ દ્રશ્ય જાઈ બેંક મેનેજર ચોંકી ઉઠયા હતાં અને તેમણે તાત્કાલિક કારંજ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
તપાસ કરતા એટીએમ સેન્ટરમાં મુકેલા રૂપિયા સહિ સલામત જાવા મળ્યા હતાં. જેના પગલે પોલીસે હાશકારો અનુભવ્યો હતો. બીજીબાજુ તાત્કાલિક પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સીસીટીવી કુટેજ મેળવી લીધા હતાં.
પોલીસ અધિકારીઓએ એટીએમ સેન્ટરના સીસીટીવી કુટેજ ફરી વખત ચેક કર્યાં છે અને તેમાં મોઢા પર રૂમાલ અને માથે ટોપી પહેરેલા બંને શખ્સોની તપાસ શરૂ કરી છે અને આ અંગે બંને શખ્સોના સીસીટીવી કુટેજ શહેરભરના પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યા છે. બીજીબાજુ આ બંનેના ચહેરા સ્પષ્ટ જાવા મળતા નથી જેના પરિણામે પોલીસ અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. કારંજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.