લાલદરવાજા આગળ મંદિરના મહંતને બેભાન કરી લૂંટીને એરપોર્ટ નજીક ફેંકી દેવાયા
જૂની અદાવતમાં ત્રણ શખ્સોએે કરેલું કૃત્ય કારંજ પોલીસ સક્રિય
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લાલ દરવાજા વિસ્તારમાં આવેલા એક મંદિરના ગાદીપતિને મોડીરાત્રે બેભાન કર્યા બાદ ત્રણ શખ્સોએ તેમના રૂપિયા લૂંટી લીધા હતા. ઉપરાંત તેમને અપહરણ કર્યા બાદ એરપોર્ટ રોડ ઉપર ફંકી દીધા હતા. આ ઘટના જુની અદાલતમાં બની હોવાનું મનાઈ રહ્યુ છે.
ભોગ બનનાર ઈકબાલ અબ્દુલહક શેખ (મિરજાપુર) લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટેન્ડ સામે આવેલા મંદિરમાં ગાદીપતિ તરીકે કાર્યરત છે. ૧૭મી તારીખે રાતે તે પોતાના જમાઈના ઘરેથી ૬૦ હજાર રોકડા લઈને પરત ફર્યા હતા અને લાલ દરવાજા નજીક પે એન્ડ યુઝ આગળ ઉતર્યા હતા. જ્યાં અગાઉથી જ શફી ખેડાવાલા, ફહદ ખેડાવાલા તથા એક રીક્ષાચાલક તેમની રાહ જાઈને ઉભા હતા. ઈકબાલભાઈ ત્યાંથી પસાર થતાં શફીએ જબરજસ્તીથી તેમને રીક્ષામાં બેસાડ્યા હતા અને પોતાની સામે કરેલ કેસ પરત ખંચી લેવા દબાણ કર્યુ હતુ. ઉપરાંત જાનથી મારવાની ધમકીઓ પણ આપી હતી.
જેથી ઈકબાલભાઈએ બુમો પાડવાનો પ્રયત્ન કરતા સફી ખેડાવાલાએ તેમના બાવડા ઉપર ઈન્જેકશન મારી દેતા તે બેભાન થઈ ગયા હતા. અને તેમના ખિસ્સામાંથી ૬૦ હજાર રૂપિયા કાઢીને તેમન એરપોર્ટ રોડ ઉપર સદર બજાર નજીક ઝાડીઓમાં ફેંકી દીધા હતા.
બાદમાં કોઈએ જાણ કરતા ૧૦૮ દ્વારા તેમને હોસ્પીટલમાં લવાયા હતા. અને ૧૦૮ ના સ્ટાફ દ્વારા ઈકબાલભાઈની ડાયરીમાંથી તેમના જમાઈ સરફરાજખાનને ફોન કરીને જાણ કરાઈ હતી. ભાનમાં આવ્યા બાદ ઈકબાલભાઈએ હોસ્પીટલમાં પોલીસ સમક્ષ પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. આ અંગે કારજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.