લાલ કિલ્લામાં તલવાર લહેરાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી
નવીદિલ્હી: ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે ફરાર વધુ એક આરોપીની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલેની ટીમે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે ગઈ કાલે મોડી રાતે આરોપીને પીતમપુરાથી દબોચ્યો.
દિલ્હી પોલીસે પકડેલા આરોપીની ઓળખ મનિન્દર સિંહ ઉર્ફે મોની તરીકે થઈ છે. જે દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં રહે છે. વ્યવસાયે તે કાર એસી મિકેનિક છે. મનિન્દર સિંહ પર લાલ કિલ્લાની અંદર હિંસા, તોડફોડ કરવાની સાથે સાથે પોલીસકર્મીઓ પર હિંસા આચરવાનો પણ આરોપ છે.
લાલ કિલ્લાની અંદર અનેક સીસીટીવી વીડિયોઝમાં હાથમાં તલવાર અને લોખંડના સળિયા લહેરાવતો તે જાેવા મળ્યો હતો અને હંગામો કરતો પણ દેખાયો હતો.
અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસે આંદોલનકારીઓ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારીઓ બેરિયર તોડીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.
આ દરમિયાન લાલ કિલ્લામાં સ્તંભ પર ધાર્મિક ઝંડો ફરકાવી દેવાયો હતો. અહીં ૧૫ ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ભારતનો ઝંડો ફરકાવે છે. લાલ કિલ્લામાં ઘૂસી ગયેલા પ્રદર્શનકારીઓએ ખુબ ઉત્પાત મચાવ્યો અને ટિકિટ કાઉન્ટર ઉપરાંત અનેક સ્થળો પર તોડફોડ કરી. પોલીસે રાતે લગભગ સાડા ૧૦ વાગે પ્રદર્શનકારીઓથી લાલ કિલ્લાને મુક્ત કરાવ્યો હતો અને ધાર્મિક ઝંડાને પણ હટાવ્યો તો.
હજારો પ્રદર્શનકારીઓ દિલ્હીના આઈટીઓ સહિત અનેક સ્થળો પર પોલીસ સાથે ભીડી ગયા જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો હતો.