લાલ કિલ્લા પર કબજાે જમાવીને આંદોલનનું નવું ઠેકાણું બનાવવાનું કાવતરું હતુ
નવીદિલ્હી: કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. દિલ્હી પોલીસના ચાર્જશીટ મુજબ પ્રદર્શનકારીઓનો હેતુ માત્ર લાલ કિલ્લા પર નિશાન સાહેબ અને ખેડૂત સંગઠનના ધ્વજને ફરકાવવાનો જ નહોતો, પરંતુ તેઓ લાલ કિલ્લાને કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટેનું એક નવું ઠેકાણું બનાવવા માગતા હતા.
લાલ કિલ્લા પર થયેલી હિંસાના કાવતરાની સંપૂર્ણ માહિતી ચાર્જશીટમાં જણાવવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે હરિયાણા અને પંજાબમાં ડિસેમ્બર ૨૦૨૦ અને ડિસેમ્બર ૨૦૧૯માં ખરીદવામાં આવેલાં ટ્રેકટરોના આંકડાઓને તપાસવામાં આવ્યા હતા. આ તપાસમાં સામે આવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૯ની સરખામણીએ ગયા વર્ષે પંજાબમાં ટ્રેક્ટરોની ખરીદી ૯૫% વધી ગઈ હતી. આ દરમિયાન ખેડૂત આંદોલન પીક પર હતું.
૩,૨૩૨ પેજના ચાર્જશીટમાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ પહેલેથી જ રચવામાં આવેલા કાવતરાને કેવી રીતે અંજામ આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે લાલ કિલ્લામાં ઘૂસેલી ભીડનો હેતુ એ હતો કે કિલ્લાને પોતાના આંદોલનનું નવું ઠેકાણું બનાવીને ત્યાંથી જ આંદોલનને આગળ વધારવામાં આવે. લાલ કિલ્લા પર નિશાન સાહેબ અને ખેડૂત સંગઠનના ઝંડો ફરકાવવા માટે આરોપીઓએ જાણીજાેઈને ગણતંત્ર દિવસની પસંદગી કરી હતી, જેથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ સરકારને નીચું જાેવું પડે.
હિંસાના કાવતરાનો પ્લાન જાણવા માટે પોલીસે દર મહિને પંજાબ-હરિયાણામાં ટ્રેક્ટર અને મિકેનિઝેશન એસોસિયેશનને ટ્રેકટરના વેચાણ માટેના આંકડા આપવા માટે કહ્યું હતું. એસોસિયેશન પાસેથી મળેલા આંકડાથી જાણવા મળ્યું છે કે નવેમ્બર ૨૦૧૯ની તુલનામાં નવેમ્બર ૨૦૨૦માં પંજાબમાં ટ્રેકટરોની ખરીદીમાં ૪૩.૫૩%નો વધારો થયો હતો. એવી જ રીતે જાન્યુઆરી ૨૦૨૦ની તુલનામાં જાન્યુઆરી ૨૦૨૧માં ટ્રેકટરના વેચાણમાં ૮૫.૧૩%નો વધારો થયો હતો.
જ્યારે હરિયાણામાં નવેમ્બર ૨૦૨૦માં ટ્રેકટરોની ખરીદીમાં ૩૧.૮૧% અને ડિસેમ્બરમાં ૫૦.૩૨%નો વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૨૧માં એમાં ૪૮% વધારો થયો. પોલીસનું કહેવું છે કે હિંસાના ષડયંત્રને અંજામ આપવા માટે રૂપિયાનો પણ ઉપયોગ થતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી ઇકબાલ સિંહની પોલીસ પૂછપરછમાં આ વાત બહાર આવી છે. ઇકબાલ સિંહે કહ્યું હતું કે શીખ ફોર જસ્ટિસ જૂથે તેને લાલ કિલ્લા પર નિશાન સાહેબનો ઝંડો ફરકાવવામાં સફળ થવા પર રોકડ આપવાનું વચન આપ્યું હતું.