લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાની બાતમી 20 દિવસ પહેલા ગુપ્તચર એજન્સીઓને મળી હતી
નવી દિલ્હી, દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોએ કાઢેલી ટ્રેકટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાની બાતમી 20 દિવસ પહેલા પણ ગુપ્તચર એજન્સીઓને મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી વિગતો પ્રમાણે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં એક બેઠક યોજાઈ હતી અને તેમાં લાલ કિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાના સિખ ફોર જસ્ટિસ સંસ્થાના ઈરાદાઓની જાણકારી આપવામાં આવી હતી.આ બેઠકમાં દિલ્હી પોલીસ, રો, એસપીજી અને હરિયાણા પોલીસના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સિખ ફોર જસ્ટિસ સંસ્થા સિખો માટે વર્ષોથી અલગ દેશની માંગણી કરી રહી છે.ગુપ્તચર એજન્સીઓના ઈનપુટમાં કહેવાયુ હતુ કે, લાલ કિલ્લાની પ્રતિષ્ઠાને જોતા સિખ ફોર જસ્ટિસ સંસ્થા દ્વારા કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની યોજના અંગે સાવધારની રાખવી જરુરી છે.
આ ઈનપુટમાં લાલ કિલ્લા સહિતની ઐતહાસિક ઈમારતોની સુરક્ષા વધારવા માટે પણ કહેવામાં આવ્યુ હતુ.બેઠકમાં પણ કટ્ટરવાદી શીખ જૂથો સાથે કેવી રીતે કામ પાર પાડવુ તેની ચર્ચા થઈ હતી.બેઠકમાં કહેવામાં આવ્યુ હતુ કે, સિખ ફોર જસ્ટિસ સંસ્થા ખેડૂતોને પૈસાની લાલચ આપીને પણ ઉશ્કેરી રહી છે.