લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીનુ સ્વરૂપ અલગ હશે, માત્ર 1500 લોકોને આમંત્રણ
નવી દિલ્હી, કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આ વખતે 15 ઓગષ્ટે લાલ કિલ્લા પર અલગ જ અંદાજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. આ વખતે ઉજવણીમાં બહુ મર્યાદિત લોકોને સામેલ થવા દેવામાં આવશે.જેમાં કોરોના સામે જંગ લડી રહેલા કોરોના વોરિયર અને આ બીમારીથી સાજા થયેલા લોકોને ઉજવણીમાં સામેલ થવા માટે આમંત્રણ અપાશે.આ વખતે કુલ આમંત્રિતોની સંખ્યા માત્ર 1500 જ રહેશે.
સૂત્રોના કહેવા પ્રમાણે ધ્વજારોહણ, પરેડ અને પીએમ મોદીનો રાષ્ટ્ર જોગ સંદેશ પહેલાની જેમ જ હશે.જોકે દર વર્ષે લગભગ 10000 લોકો આ કાર્યક્રમમાં સામેલ થતા હોય છે.તેની જગ્યાએ માત્ર 1500 લોકોને આમંત્રણ આપવાની વાત છે.આ તમામ લોકો કોરોના સામેના જંગ સાથે સંકળાયેલા હશે.જેની પાછળનો હેતુ કોરોના વોરિયર્સનુ મનોબળ વધારવાનો છે.
દર વર્ષે પીએમના સ્ટેજની બંને તરફ 800 ખુરશીઓ મુકાતી હતી.આ વખતે માત્ર 150 ખુરશીઓ મુકાશે.જેટલા પણ વીવીઆઈપી ઉપર બેસતા હતા તે આ વખતે મેદાનમાં બેસશે.4000 જેટલા સ્કૂલના બાળકોની જગ્યાએ 400 જેટલા એનસીસી કેડેટને જ બોલાવાશે.