લૉ ગાર્ડન નજીક કોર્પોરેશને ચાર ઘોડા કબજે લીધા, અશ્વમાલિક સામે ફરીયાદ
ગ્લેન્ડર રોકવા ઘોડા પર પ્રતિબંધ, કોંગો ફેલાવતી ઈતરડી બેસે એવી ગાયો મુક્ત!!
અમદાવાદ, ગ્લેન્ડરનો રોગચાળો રોકવા માટે શહેરમાં જાહેરમાં ઘોડા ફેરવવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પોલીસ કમિશ્નરે બહાર પાડ્યુ છે. મ્યુનિસિપલના ઢોર-ત્રાસ અંકુશ વિભાગે ચાર ઘોડા કબજે લીધા પછી ત્રણ ઘોડાના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ઘોડાના કારણે ટ્રાફિકને અડચણ થતી હોવા બદલ એલીસબ્રિજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
એલિસબ્રિજ ગુજરાત કોલેજની બાજુમાં ફલાયઓવર નીચેથી અમદાવાદ મ્યુનિસિપલની ઢોર ત્રાસ અંકુશ ખાતાની ટીમે તા.ર૯ની બપોરે ચાર ઘોડા કબજે લીધા હતા. ચાર પૈકીના ત્રણ ઘોડાના માલિક સેનાભાઈ ગીરધરભાઈ મકવાણા ઘોડા પરત મેળવવા ગયા હતા.
મ્યુનિસિપલની કાચી ચિઠ્ઠી રજુ કરતાં એલિસબ્રિજ પોલીસની ટીમે ગુલબાઈટેકરામાં રહેતા સેનાભાઈ મકવાણા સામે પાલતું પ્રાણી ઘોડાને ત્રાસદાયક રીતે છૂટા મુકી રાહદારીને ભયમાં મુકી અને ટ્રાફિકની અડચણ થાય એ રીતે અશ્વને છૂટો મુકવા અંગે ગુનો નોંધ્યો હતો. પોલીસે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટની કલમ હેઠળ પણ ગુનો નોંધ્યો છે.
શહેરમાં ગ્લેન્ડરનો રોગચાળો હોવાથી ઘોડાને જાહેરમાં ફેરવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. જા કે ગાય જેવા પશુઓમાં થતી ઈતરડી (જીવાત) થી ક્રિમિયન કોંગો હેઈમાર્જીક વાયરસ ફેલાય છે. શહેરના રસ્તા ઉપર ગાય, ભેંસ જેવા પશુઓ બેરોકટક ફરી રહ્યા છે.