Western Times News

Gujarati News

લિથિયમ – આર્યન બેટરીના ઉત્પાદનમાં ગુજરાત ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બનશે :-

ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ. ૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ MoU પર AEPPLના મેનેજીંગ ડિરેકટર શ્રીયુત ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્ર સચિવ તથા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ વચ્ચે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર થયા હતા.

AEPPL દ્વારા ગુજરાતના હાંસલપૂર બેચરાજીમાં બે તબક્કે આ અંગેના રોકાણો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. ૧રપ૦ કરોડના ખર્ચે લિથિયમ બેટરી પેક અને મોડયુલ મેન્યૂફેકચરીંગ ફેસેલીટીઝ ર૦ર૦ના અંત સુધીમાં ઊભી કરવા સાથે ૧ હજાર જેટલા સ્થાનિક યુવાઓને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળતી થશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, AEPPL એ પ્રખ્યાત મોટર ઉત્પાદન કંપની મારૂતિ સુઝૂકી કોર્પોરેશન, ટોશીબા અને ડેન્સોનું સંયુકત સાહસ છે.

આ સાહસના પ્રોજેકટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે ની ઉપસ્થિતમાં હાંસલપૂર ખાતે ૨૦૧૭માં કરવામાં આવેલો હતો.

આજે થયેલા MoU અનુસાર AEPPL બીજા તબક્કાના વિતરણમાં ૩૭૧પ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને ર૦રપ સુધીમાં પ્રતિવર્ષ ૩૦ મિલીયન સેલનું ઉત્પાદન ગુજરાતમાં કરશે.

મુખ્યમંત્રીશ્રી સાથે આ MoU દરમ્યાન વિચાર વિમર્શ કરતાં AEPPLના મેનેજિંગ ડીરેકટર શ્રીયુત ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA એ જણાવ્યું કે, કંપની તેના ફયુચરીસ્ટીક પ્લાનમાં આગામી ર૦૩૦ સુધીમાં ગુજરાતમાં ૬ બેટરી પ્લાન્ટ અને ર ઇલેકટ્રોડસ પ્લાન્ટ રૂ. પ૩ હજાર કરોડના રોકાણો સાથે શરૂ કરવા તત્પર છે. આ પ્લાન્ટ શરૂ થતાં ૮ થી ૧૦ હજાર સ્થાનિક યુવાઓને રોજગાર મળશે. એટલું જ નહિ, અન્ય આનુષાંગિક ઊદ્યોગો, MSMEને પણ નવું બળ મળશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની વિવિધ સહુલિયત તેમજ ઉત્પાદનોના નિકાસ માટે પોર્ટસ સહિતની સુવિધાઓ અને રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝના પરિણામે આવા ઊદ્યોગો ગુજરાતમાં મોટા પ્રમાણમાં આવતા થયા છે અને ગુજરાત હવે ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બન્યું છે એમ ગૌરવ સહ જણાવ્યું હતું.

AEPPLનો આ ગુજરાત પ્લાન્ટ માત્ર ભારત માટે જ નહિ, વિશ્વના અન્ય દેશો માટે પણ લિથિયમ બેટરી ઉત્પાદનથી ગુજરાતને વૈશ્વિક ખ્યાતિ અપાવશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મેઇક ઇન ઇન્ડીયા’ની જે સંકલ્પના આપેલી છે તેમાં ગુજરાત આ લિથિયમ બેટરી ઉત્પાદન એકમોથી અગ્રેસર રહેવાનું છે.

રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત અને પર્યાવરણપ્રિય યાતાયાત માટે ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને વ્યાપક સ્તરે અપનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તે સંજોગોમાં આવા વાહનોના વપરાશ માટે બેટરીની માંગ આ નવા પ્લાન્ટસ પૂર્ણ થશે.

આ MoU વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ઊદ્યોગ કમિશનર શ્રી રાહૂલ ગૂપ્તા, ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમરાની સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.