Western Times News

Gujarati News

લિમોદરા સુકવણા ગામે રોકડા તથા ઘરેણા મળી ૧.૪૧ લાખની ધોળે દિવસે ઘરફોડ ચોરી

છેલ્લા ૫૦ દિવસમાં અછાલીયા, પ્રાંકડ અને લીમોદરા માં મળી ૨૯ લાખથી વધુ ના સોના ચાંદીના ઘરેણાં તથા રોકડની ચોરી થવા પામી હતી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ત્રણેય પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીએ માજા મુકી છે.ચોરી થયા બાદ પણ સ્થાનિક પોલીસને ધરફોડ ચોરોને ઝડપી પાડવામાં સફળતા મળતી નથી જે આશ્ચર્યની વાત છે ! ઝઘડિયા તાલુકાના અછાલીયા તથા પ્રાંકડ ગામે થયેલ ૨૯ લાખથી વધુના સોના ચાંદીના ઘરેણાં તથા રોકડની ઘરફોડ ચોરીની શાહી સુકાય નથી ત્યારે ઝઘડિયા પોલીસ મથકની હદમાં આવેલા લીમોદરા સુકવણા ગામે ૧.૪૧ લાખના સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડની ધોળે દિવસે ઘરનું તાળું તોડી ચોરી થવા પામી છે. ઝઘડિયા તાલુકાના લિમોદરા સુકવણા ગામે રહેતા અનિતાબેન મહેશભાઈ પાટણવાડીયા દરજી કામ કરી તથા તેમના પતિ ટ્રક ઉપર ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગતરોજ અનિતાબેનના સાસુ કામ ઉપર ગયા હતા.ત્યાર બાદ અનિતાબેન તેમના છોકરાઓ સાથે ફળિયાના લોકો સાથે તેમના સંબંધમાં પગુથણ ગામે બાબરીનો કાર્યક્રમ હોય પગુથણ ગામે ગયા હતા.અનીતાબેને તેમના ઘરને તાળું મારીને તેની ચાવી તેમના ઘરના સામે રહેતાં દિવાળીબેનને આપી હતી. અનિતાબેન તથા ફળીયાના અન્ય લોકો બપોરના ત્રણ વાગ્યે બાબરી માંથી પરત લીમોદરા ગામે તેમના ઘરે આવ્યા હતા.ત્યારે તેમના ઘરના આગળના દરવાજાને સ્ટોપર મારેલ હતી અને તાળું તૂટેલી હાલતમાં લટકાવેલું હતું. અનિતાબેને તેમના ઘરનો દરવાજો ખોલી અંદર જઈ જોતાં તિજોરીના પડદાં ઢાંકેલા હતા જેથી તેમણે તિજોરી ખોલી અંદર જોતા તિજોરીમાં બે ડબ્બા અને પિત્તળનો એક ડબ્બો અને કીટલી હતી.તેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મુકેલ હતા તે કોઈ ચોર ઈસમો ચોરી કરી લઇ ગયેલ હોવાનું જણાયું હતું.

અનિતાબેનના ઘરમાંથી ચોર ઈસમો રોકડા રૂપિયા ૨૩,૦૦૦, સોનાની નાની-મોટી વીટી નંગ ૯, ચાંદીના જુડા નંગ ૫, સોનાના પેન્ડલ નંગ ૫, ચાદીની કંદોરી નંગ ૯, ચાંદીના છડા નંગ-૨ ચાંદી ની લકી નંગ ૩, સોનાની બુટ્ટી નંગ ૧, ઝુમ્મર બુટ્ટી નંગ ૧, ચાંદીનું મંગળસૂત્ર ૧, ચાંદીની ચેઈન ૨, સોનાનું કોકરવું ૧ ચોરી થયા હતા. ચોરી થયેલ સોના ચાંદીના ઘરેણા જેની કિંમત રૂપિયા ૧,૧૮,૦૦૦ તથા રોકડા રૂપિયા ૨૩,૦૦૦ મળી કોઈ અજાણ્યા ચોર ઈસમો અનિતાબેનનું ઘરનું તાળું ધોળા દિવસે તોડી તિજોરીમાં રાખેલ ડબ્બાઓમાંથી કુલ ૧,૪૮,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.જેથી અનિતાબેને ઝઘડિયા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.