લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલા પેન્શનની હકદાર ગણાય : મદ્રાસ હાઇકોર્ટ
ચેન્નાઇ: પેન્શન મામલે મદ્રાસ હાઇકોર્ટમાં એક અલગ પ્રકારનો કેસ આવ્યો. તેમાં સવાલ કરાયો છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલા તેના સાથીના મૃત્યુ બાદ તેના પેન્શનની હકદાર ગણાય? હાઇકોર્ટની સિંગલ બેન્ચના જજ એસ. વિદ્યાનાથને દલીલો સાંભળ્યા બાદ કેસ લાર્જર બેન્ચને સોંપવા મોકલી આપ્યો છે.
કેસની વિગત એવી છે કે તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પો.માં કાર્યરત એસ. કલિયાપેરુમલના સુશીલા નામની મહિલા સાથે લગ્ન થયાં હતાં.
સરકારી દસ્તાવેજાેમાં સુશીલા જ કલિયાપેરુમલની નોમિની હતી. તે કેન્સરપીડિત હતી, જેથી તેણે તેની બહેન મલારકોડીને કલિયાપેરુમલ સાથે લગ્ન કરવા મંજૂરી આપી હતી. ત્રણેય સાથે રહેતાં હતાં. સાથે દંપતીની ૩ પુત્રી અને ૩ પુત્ર પણ રહેતાં હતાં. બાદમાં સુશીલાનું મોત થયું. ૨૦૧૫માં સુશીલાના પતિએ મલારકોડીને લીગલ નોમિની બનાવવા એમ્પ્લોયર કંપનીને અરજી કરી.
સુશીલાનાં પુત્ર-પુત્રીઓએ પણ તે માટે મંજૂરી આપી.કંપની મલારકોડીને નોમિની જાહેર કરે તે પહેલાં કલિયાપેરુમલનું પણ મોત થઇ ગયું. કંપનીએ મલારકોડીને નોમિની ન માનતાં તેણે હાઇકોર્ટમાં અરજી કરી. જજે દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે આ કેસને મહિલાઓના સન્માન અને સંરક્ષણના દૃષ્ટિકોણથી જાેવો જાેઇએ.