લીંબડી અને સાયલામાંથી વીજકંપનીએ ૧૫ લાખની વીજ ગેરરીતિ ઝડપી
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજકંપની દ્વારા આજે લીંબડી અને સાયલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરી ૧૫ લાખ રૂપિયાની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. વીજદરોડોના પગલે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી શહેરી વિસ્તારો સહિત તાલુકાના અલગ અલગ ગામોમાં પીજીવિસીએલ તંત્ર દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.લીંબડી શહેરના અલગ અલગ રહેણાંક વિસ્તારો જેવા કે જનકપુરી સોસાયટી, ચુનારાવાડ, સિધ્ધાર્થ સોસાયટી, મફતીયુપરૂ, અવધપુરીમાં અંદાજે ૧૫૦થી વધુ મકાનોમાં વીજ ચેકીંગ હાથ ધરાયું હતુ. જ્યારે લીંબડી તાલુકાના શિયાણી અને મોટા ટિંબલા સહિતના ગામોમાં પણ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતુ. પીજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
લીંબડી પંથકમાં પીજીવીસીએલના આ દરોડોમાં તાલુકાના શિયાણી અને મોટા ટીંબલામાં થઇને કુલ ૧૪૪ વિજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૨૧ કનેક્શનોમાં ગેરરીતી પકડાતા રૂ. ૮.૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે લીંબડી શહેરમાં કુલ ૫૧ વિજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦ કનેક્શનોમાં વિજચોરી પકડાતા રૂ. ૨.૬૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સાયલા શહેરમાં કુલ ૭૦ વિજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૧૨ કનેક્શનોમાં વિજચોરી પકડાતા રૂ. ૪.૩૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.HS