લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં ચાર યુવાનોનાં મોત
રાજકોટ, સુરેન્દ્રનગરના લીંબડીમાં ગમખ્વાર અકસ્માત થતા ચાર જણાના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે. કાર અને ખાનગી બસ વચ્ચે થયેલા અકસ્માત થતા ચાર યુવાનોના કરુણ મોત થઈ ગયા છે. મળતી વિગતો પ્રમાણે યુવાનો કારમાં રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધારે તપાસ શરુ કરી છે. આ અકસ્માતને નજરે જાેનારાઓના રૂંવાડા ઉભા થઈ ગયા હતા.
અકસ્માત બાદ લોકો મદદ માટે કાર પાસે પહોંચ્યા હતા પરંતુ કારની હાલત એવી થઈ ગઈ હતી કે તેનું પતરું કાપીને ઘાયલ અને મૃતકોને બહાર કાઢવાની ફરજ પડી હતી.
ખુશીના પ્રસંગમાં હાજરી આપવા માટે મિત્રો ભેગા થઈને રાજસ્થાન જઈ રહ્યા હતા પરંતુ આ પહેલા જ તેમના પર કાળ તૂટી પડ્યો અને ખુશીની ઘડી માતમમાં ફેરવાઈ ગઈ છે.
આ અકસ્માત સુરેન્દ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઈવે પર આવતા કટારીયા ગામના પાટીયા પાસે સર્જાયો હતો. મિત્રો ભેગા થઈને ભાડે કરેલી ઈકો કારમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રાજસ્થાન જઈ રહ્યા હતા, આ દરમિયાન વહેલીસવારે ખાનગી બસ સાથે કારનો અકસ્માત થયો હતો.
જેમાં ચાર લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ થયા છે, જેમને લીંબડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઈકો કારનો ભૂક્કો બોલી ગયો હતો.
ઘટના સ્થળ પર પહોંચેલી ટીમોએ કારના પતરાને કાપીને તેમાંથી મૃતકો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. હાઈવે પર અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ પછી લાંબા અંતર સુધી રોડ પર ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.SSS