લીંબોદ્રાના ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી દ્વારા મળેલી સહાય મદદરૂપ સાબિત થઈ
અમદાવાદ, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લીંબોદ્રા ગામના ખેડૂત કાળુભાઇ ભગવાનભાઇ માછી ખૂશ છે. ખેતીવાડી કરીને ગુજરાન ચલાવનારા કાળુભાઇનું કહેવું છે કે કોરોના મહામારીના સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ એમના બેંક ખાતામાં સીધા રૂપિયા 2000 જમા થઇ ગયા, જે આ મૂશ્કેલીના સમયમાં મારા પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. અત્યારે લૉકડાઉનના સમયમાં ખેતીકામ કરવું પણ અઘરું થઈ પડે છે, ત્યારે સીધા બેંક ખતામાં પૈસા જમા થવાથી ખૂબ સરળતા રહે છે એમ પણ કાળુભાઇએ જણાવ્યું. કાળુભાઇ જેવા જ મહીસાગર જિલ્લાના 1 લાખ 47 હજાર 760 ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ આ પ્રકારનો લાભ મળ્યો છે.
આ યોજનાના ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ શ્રી એસ.જે. સોલંકીએ પી.આઇ.બી. અમદાવાદ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારે રાજ્યના 48 લાખ ઉપરાંત ખેડૂતોને એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, જે રકમ આશરે 95૦ કરોડ જેટલી થવા જાય છે. આશરે જે 1 % ખેડૂતોના પૈસા બાકી છે, તે પણ પ્રોસેસમાં છે અને ગણતરીના દિવસોમાં જ ખેડૂતોને મળી જશે.
ખેડૂતોને સીધી જ ચૂકવણીની આ સમગ્ર પ્રક્રિયાનું મોનીટરીંગ દિલ્હીથી કેન્દ્ર સરકાર દ્વારા થઇ રહ્યું હોવાનું પણ શ્રી સોલંકીએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક મહામારીના આ સમયમાં ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સહાયને લીધે સમગ્ર ખેડૂત સમાજમાં રાહત અને હર્ષની લાગણી જોવા મળે છે.