લીમખેડાના સરકારી દવાખાનામાં મહિલાએ ત્રણ સ્વસ્થ શીશુને જન્મ આપ્યો

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) પ્રસૂતિ કરાવવાના હાલ ચાલી રહેલા ટ્રેન્ડ વચ્ચે દાહોદ જિલ્લાના લીમખેડાના સરકારી દવાખાનાના તબીબ તેમજ તેમના સ્ટાફની ટીમના સફળ પ્રયાસ થકી પ્રસૂતિ માટે આવેલી મહિલાને નોર્મલ સફળ પ્રસુતિ કરાવતા
મહિલાએ એક બેબી તથા બે બાબા સહિત ૩ સ્વસ્થ નવજાત શિશુને જન્મ આપતા સફળ નોર્મલ પ્રસુતિ કરાવનાર તબીબ સહિતની ટીમને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાની જનતાએ ઉત્કૃષ્ટ સેવા બદલ અભિનંદનનો વરસાદ વરસાવ્યો છે.
હાલના સમયમાં લોકોને સરકારી દવાખાના ઉપર ભરોસો રહ્યો ન હોય તેમ મોટાભાગના લોકો પ્રસુતિ માટે સરકારી દવાખાને જવાનું ટાળી પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલનો સહારો લેતા જાેવા મળી રહ્યા છે અને લખલૂટ પૈસા ખર્ચે છે.
દાહોદની મોટાભાગની પ્રસુતિ માટેની ખાનગી હોસ્પિટલોમાં તબીબો સિઝેરિયનથી પ્રસૂતિ કરાવવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય વર્ગના લોકોને તે અદ્યતન હોસ્પિટલનો ખર્ચ પોસાય તેમ ન હોવાથી સરકારી દવાખાનાનો સહારો લે છે. ઘણી વખત તો ખાનગી મોટી હોસ્પિટલો કરતા સરકારી દવાખાનાઓમાં સારી સારવાર મળતી હોવાના દાખલા છે.
તેઓ દાખલારૂપ બનાવ ગઈકાલે તારીખ ૧૭ જૂનના રોજ લીમખેડા સરકારી દવાખાનામાં બનવા પામ્યો છે. જેમાં લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામની લલીતાબેન નરેશભાઈ ડામોર નામની મહિલાને ગતરોજ પ્રસૂતિની પીડા ઉપડતાં પ્રસુતિ માટે લીમખેડા (સી.એચ.સી.) સરકારી દવાખાને લાવવામાં આવી હતી
અને લીમખેડા સરકારી દવાખાનાના ડોક્ટર ગૌરાંગ ચૌટાલીયા તથા તેમના સ્ટાફ બ્રધર મુકેશ પટેલ તેમજ આયા રતનબેન માટે લલીતાબેન ડામોરની પ્રસુતિ પડકારજનક હોવા છતાં તેઓએ નોર્મલ પ્રસુતિ કરાવવાના પ્રયાસો જારી રાખ્યા હતા અને અંતે લલીતાબેન ડામોરને નોર્મલ સફળ પ્રસૂતિ કરાવી હતી. જેમાં લલીતાબેન એક બેબી અને બે બાબા મળી ત્રણ નવજાત શિશુને જન્મ આપ્યો હતો.
આ નોર્મલ પ્રસુતિ બાદ માતા તથા ત્રણેય નવજાત શિશુની તબિયત સ્વસ્થ અને સારી છે. જિલ્લામાં આવો પ્રસુતિનો કેસ પ્રથમવાર હેન્ડલ કરનાર તબીબ સહિતના સ્ટાફને જિલ્લા વિકાસ અધિકારીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ત્યારે આ તબીબ સહિતની ટીમ ઉપર જિલ્લામાંથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.