લીમખેડા કલેક્ટરે તાલુકાની રાષ્ટીય ગ્રામીણ પેયજળ યોજનાની મુલાકાત લીધી
દાહોદ:કલેક્ટર શ્રી વિજય ખરાડીએ દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાની રાષ્ટીય ગ્રામીણ પેયજળ યોજના – સ્વજલ પ્રોજેક્ટની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે વાસ્મોના અધિકારીશ્રી આર.એ.પટેલ અને વાસ્મોની ટીમ પણ ઉપસ્થિત રહી હતી.
લીમખેડા તાલુકાના દાભડા ગામે સુથાર ઝાબોળ ફળિયામાં કલેક્ટરશ્રીએ બોર, કલોરીનેશન સાધન અને સૌર ઉર્જા સંચાલિત ૨૨ ઘરોને નળ કનેક્શનથી મળતા પાણીની યોજના નિહાળી હતી તથા પાણી સમિતિના બહેનો અને ગ્રામજનો સાથે યોજનાની શરૂઆતથી લઇ હાલ મળતા લાભો અને પ્રવુતિઓ અંગે પૃચ્છા કરી હતી.
ત્યારબાદ બારા ગામે પટેલ ફળિયાનો કુવો, પમ્પીંગ મશીનરી, ઓન લાઈન કલોરીનેશન સાધન, મોબાઈલ સંચાલિત મોટર, પાણીની ઊંચી ટાંકી અને ૫૫ ઘરોને નળ કનેક્શનથી મળતા પાણીની યોજનાનું અવલોકન કર્યુ હતું અને પાણીસમિતિ તથા ગ્રામજનો સાથે ચર્ચા વિર્મશ કર્યા હતા. આ ઉપરાંત ભીલ પાનીયા, મુનીયા ફળિયાની કુવા, પમ્પીંગ મશીનરી, ઓન લાઈન કલોરીનેશન સાધન, પાણીની ઉચી ટાંકી અને ૬૫ ઘરોને નળ કનેક્શનથી મળતા પાણીની યોજનાનું પણ રૂબરૂ અવલોકન કર્યુ હતું.
કલેકટરશ્રીએ દાભડા, બારા અને ભીલપાનીયા ગામોમાં અન્ય પેયજળ યોજનાઓની પણ માહિતી મેળવી વાસ્મો ટીમની કામગીરીને બિરદાવી હતી અને પાણીસમિતિ પાણીવેરાનો ઉપયોગ પેયજળ યોજનામાં જરૂરી સમારકામ ખર્ચ કરી નિયમિત અને આરોગ્યપ્રદ પાણી મેળવે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.