લીમડા કાપતી વખતે લોખંડનો ઘોડો ૧૧ કે.વી. વીજલાઈનને અડ્યો,બે સગા ભાઈના મોત

રાજકોટ: ગોંડલના કંટોલીયા-બાંદરા ગામ વચ્ચે ખેતરમાં ધર્મેશભાઇ જેસાણીએ મલેશિયન લીમડાના વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષો કાપવા માટે શ્રમિકો લોખંડનો ઘોડો લઈને ખેતરમાં જઈ રહ્યાં હતા. પરંતુ ખેતર ઉપરથી પસાર થતી ૧૧ કે.વી. ઇલેક્ટ્રિક લાઈન સાથે લોખંડનો ઘોડો અડી જતા શોર્ટ લાગતા જુવાનજાેધ બે સગા ભાઈના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ખેતર માલિક ધર્મેશભાઇ સહિત આજુબાજુના ખેતરોમાંથી પણ લોકો દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ કંટોલિયા-બાંદરા રોડ પર વોરાકોટડાના સર્વે નંબરમાં ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જસાણી (રહે. રાજકોટવાળા)ની વાડી આવેલી છે. અહીં મલેશિયન લીમડા વાવવામાં આવ્યા હોય જેને કાપવાનું કામ છેલ્લા આઠ દિવસથી પડધરી તાલુકાના સરપદડ ગામના પિયુષભાઈ વસંતભાઈ મકવાણા (ઉં.વ. ૨૮) અને તેના નાનાભાઈ મયુરભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આજે મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસ બન્ને ભાઈઓ લીમડા કાપવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે લોખંડનો ઘોડો વાડી ઉપરથી પસાર થતી ઇલેવન કેવીની
લાઈનને અડી જતા વીજ કરંટ લાગતા બંને ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.બનાવની જાણ તાલુકા પોલીસને થતા
પીએસઆઇ એમ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતકોના પરિવારજનોને જાણ કરી પીએમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની જાણ જીવીસીએલના અધિકારીઓને થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓ અપરિણીત હતા અને લીમડા કાપવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.
રાજકોટના કાલાવડ રોડ પર મોટામવામાં અર્જુન પાર્ટી પ્લોટ સામે આવેલા કદમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં એક વર્ષ પહેલા જીવલેણ દૂર્ઘટના બની હતી. જેમાં દૂધ લેવા માટે લિફ્ટનો દરવાજાે ખોલી અંદર જતા અને પાંચમા માળે પહોંચતા મનિષાબેન કિરણભાઇ આશરા (ઉ.વ.૫૩)ને વીજ કરંટ લાગ્યો હતો. આથી તેઓએ બૂમાબૂમ કરતા પાંચમા માળે રહેતાં વેપારી જીજ્ઞેશભાઇ જસવંતભાઇ ઢોલ (ઉ.વ.૪૭) દોડી ગયા હતા. મનિષાબેનને બચાવવા જતાં તેમને પણ લિફ્ટના દરવાજામાંથી વીજ કરંટ લાગતા બંને બેભાન થઇ ગયા હતા. આથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં બંનેના મોત નીપજ્યા હતા.