લુંટારૂઓ યુવકોને લુંટતા હતા અને પોલીસ આવી પહોંચી
વિશાલા સર્કલ પાસે શાસ્ત્રીબ્રીજના છેડા પર મોડી રાત્રે બનેલી ઘટના : શટલ રીક્ષામાં ફરતી લુંટારુ ટોળકીએ ત્રણ યુવકોને બાનમાં લઈ ઝાડીમાં ખેંચી ગયા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકથી નાગરિકો ફફડી રહયા છે છેલ્લા ઘણા સમયથી એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં તથા પોલીસની નિષ્ક્રિયતાથી શટલ રીક્ષાઓમાં ફરતી લુંટારુ ટોળકીઓ બેફામ બની જતાં નાગરિકો ફફડી રહયા છે. શહેરમાં ખુલ્લેઆમ જાહેર રોડ ઉપર જ હવે નાગરિકોને લુંટવાના બનાવો બનતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે.
આ પરિસ્થિતિમાં શહેરના વિશાલા હોટેલ પાસે આવેલા શાસ્ત્રીબ્રીજના છેડા પર ગઈકાલે રાત્રે શટલ રીક્ષામાં બેઠેલી લુંટારુ ટોળકીએ ઘાતક હથિયારો સાથે પ્રવાસીઓને લુંટવા માટે અંધારામાં રોડની સાઈડમાં આવેલી ઝાડી પાસે લઈ જઈ ધાક ધમકી આપતા હતા તે દરમિયાન જ પોલીસની જીપ આવી પહોંચતા લુંટારુઓએ ત્રણ યુવાનોનું અપહરણ કરી ભાગી છુટયા હતા.
પરંતુ પોલીસ જીપ રીક્ષા પાસેથી પસાર થતાં જ યુવકોએ બુમાબુમ કરી મુકી હતી જેના પગલે એલર્ટ બનેલી પોલીસે રીક્ષાને આંતરી ત્રણેય યુવકોને બચાવી લીધા હતા અને પાંચ જેટલા સશસ્ત્ર લુંટારુઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાથી ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ફરી રહી છે જેનો લાભ લુંટારુ ટોળકીઓ ઉઠાવી રહી છે. કેટલીક શટલ રીક્ષાઓમાં આવી ટોળકીઓ સહ પ્રવાસીઓને લુંટવા લાગી છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રબારી કોલોનીમાં રહેતા દિનેશ રામપ્રસાદ નામનો મધ્યપ્રદેશનો યુવક છેલ્લા ઘણા સમયથી જીયો કંપનીના ટાવરોમાં ઈલેકટ્રીકનું કામ કરી રહયો છે.
હાલ તેનુ કામ અમદાવાદ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહયું છે. હાલમાં દિનેશનું કામ ધંધુકા પાસે આવેલા એક ગામમાં જીયોના કામ ચાલતુ હોવાથી રાત્રે તે કામ પતાવી અમદાવાદ ફરતો હોય છે. ગઈકાલે રાત્રે ધંધુકાથી તે ટેક્ષીમાં બેસી તેના સહ કર્મચારીઓને લઈ અમદાવાદ આવવા નીકળ્યો હતો.
રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ટેક્ષી ચાલકે દિનેશ અને તેના બે સાથીદારો અનુપ જાષી અને મહેન્દ્ર જાષીને વિશાલા ચાર રસ્તા પાસે ઉતાર્યા હતાં. વિશાલા સર્કલ પાસે ઉતરી ગયા બાદ દિનેશ અને તેના બંને કર્મચારીઓએ શટલ રીક્ષામાં બેસી નારોલ જવાનું નકકી કર્યું હતું અને ત્રણેય જણાં વિશાલા સર્કલથી એક શટલ રીક્ષામાં બેસીને નારોલ જવા નીકળ્યા હતાં. વિશાલા સર્કલ પાસે એક શટલ રીક્ષા ઉભી હતી
જેમાં અગાઉથી જ રીક્ષા ચાલક ઉપરાંત ચાર પ્રવાસીઓ બેઠેલા હતા આ રીક્ષામાં બેઠેલા ત્રણ શખ્સો આગળ ચાલકની સીટ પર ગોઠવાઈ ગયા હતા જયારે દિનેશ, અનુપ અને મહેન્દ્ર પાછળની સીટ પર બેઠા હતાં રીક્ષા શાસ્ત્રીબ્રીજના છેડે પહોચે ત્યારે અચાનક જ ચાલકે રસ્તાની સાઈડમાં અંધારામાં ઝાડીની પાસે ઉભી રાખી હતી
જેથી દિનેશે સવાલ પુછતા રીક્ષામાં બેસેલા પાંચેય શખ્સોએ તેને ધમકી આપી હતી અને તીક્ષ્ણ ધારવાળુ ચપ્પુ કાઢયુ હતું. ચપ્પુ જાઈ દિનેશ ગભરાઈ ગયો હતો જયારે બાકીના ચાર શખ્સોએ આ ત્રણેય યુવકોના ખિસ્સામાંથી રૂપિયા અને મોબાઈલ ફોન લુંટવાનો પ્રયાસ કર્યો હતો.
પાંચેય લુંટારુઓ ત્રણેય યુવકોને લુંટવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન અચાનક જ પાછળથી પોલીસની જીપ આવતા લુંટારુઓ એલર્ટ થઈ ગયા હતા અને આ ત્રણેય યુવકોને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી તેઓનું અપહરણ કરી લીધુ હતું અને ધમકી આપી હતી કે જા બુમાબુમ કરી તો જાનથી મારી નાંખીશ. જેથી ત્રણેય યુવકો ગભરાઈ ગયા હતા આ દરમિયાનમાં પોલીસની જીપ રીક્ષા પાસેથી પસાર થતા ત્રણેય યુવકોને બુમાબુમ કરતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. બીજીબાજુ લુંટારુ ચાલકે રીક્ષા ભગાવી મુકી હતી.
પોલીસે પણ આ રીક્ષાનો પીછો કરી થોડે દુર આંતરી લીધી હતી અને સશ† લુંટારુઓના ચુંગલમાંથી ત્રણેય યુવકોને છોડાવી લીધા હતાં. પોલીસે પાંચેય લુંટારુઓને ઝડપી લઈ પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. પકડાયેલા લુંટારુઓમાં ૧. રીઝવાન પઠાણ (ઉ.વ.ર૧) (રહે. હુસેનીબાગ વિશાલા) ર. મુસ્તુફા પઠાણ (ઉ.વ.ર૯) ૩. સમીર શેખ (ઉ.રર) ૪. આદીલ દરબાર (ઉ.રર) અને પ. નદીમ શેખ (ઉ.ર૩) તમામ રહે. સંકલિતનગર જુહાપુરાનો સમાવેશ થાય છે.
પાંચેય લુંટારુઓને ઝડપી લઈ તમામને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં દાણીલીમડા પોલીસે પાંચેયની પુછપરછ કરતા અન્ય કેટલાક ગુનાઓની આરોપીઓએ કબુલાત કરી હોવાનું જાણવા મળી રહયું છે. ગભરાઈ ગયેલા ત્રણેય યુવકોને પોલીસે શાંત પાડયા હતા અને પાંચેય લુંટારુઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.