જન્મજાત વાંકા પગ ધરાવતો (કલબ ફુટ) બાળક દોડતો થયો
શાળા આરોગ્ય કાર્યક્રમએ ભાવી પેઢીને તંદુરસ્ત બનાવવાનો તેમજ તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ કરવાનો એક સરાહનીય પ્રયાસ છે. જેમાં બાળકોની આરોગ્ય તપાસણી લઈને સુપરસ્પેશ્યાલીટી સુધીની સારવારનો સમાવેશ થાય છે. શાળા આરોગ્ય કાર્યક્રમ એક અતિ મહત્વનો સમાજલક્ષી કાર્યક્રમ છે. જેનો લાભ અનેક બાળકો મેળવી રહ્યા છે. જેમાં મહીસાગર જિલ્લાના કેયુર ડામોરને સંદર્ભ આરોગ્ય સેવાનો લાભ મળ્યો અને તેના પરિવારમાં ખુશી છવાઇ.
શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લુણાવાડા તાલુકાના મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવેલા વાંધેલા ગામના દિનેશભાઇ ડામોરના પુત્ર કેયુરને જન્મજાત વાંકા પગ (કલબ ફુટ) હોવાની જાણ થતા આરોગ્ય અધિકારીઓએ તેના ઘરની વીઝીટ કરી તેના પરીવારને બીમારી વિશે પુરી સમજ આપી અને જન્મના ૧૫ દિવસ બાદ તેની સારવાર અમદાવાદ પોલીયો ફાઉન્ડેશનના કલબ ફૂટ ક્લીનીક ખાતે શરૂ કરવામાં આવી જ્યા દર અઠવાડીયે પ્લાસ્ટર કરવામાં આવ્યું.
છ પ્લાસ્ટર બાદ ટીનેટોમી કરવામાં આવી સમગ્ર સારવાર દરમ્યાન મહીસાગર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ વારંવાર લાભાર્થીની મુલાકાત લઇ અને તેમને માર્ગદર્શન આપ્યું સંપુર્ણ સારવાર સારી રીતે કરવામાં આવી. ટીનેટોમી બાદ પોલીયો ફાઉન્ડેશન માંથી બાળકને બુટ પહેરવા માટે આપવામાં આવ્યા હતા. જે ત્રણ મહીના સુધી સતત પહેરવાના હોય છે. ત્યાર બાદ માત્ર રાત્રે પહેરવાના હોય છે. આટલી સઘન કાળજી બાદ બાળક કેયુર ડામોર આજે અન્ય બાળકોની જેમ ચાલી શકે છે અને દોડી શકે છે. આ તમામ સારવાર સરકાર દ્વારા નિશુલ્ક કરવામાં આવી હતી કે જેનો અંદાજે ખર્ચ ખાનગી હોસ્પીટલોમાં રૂપીયા પચાસ હજારની આસપાસ થવા જાય છે.
આ કાર્યક્રમમાં પ્રતિભાવ આપતા બાળક કેયુરના પિતાશ્રી દિનેશભાઇ ડામોરે જણાવ્યું હતું કે, સરકારનો આ કાર્યક્રમ અમારા જેવા ગરીબ પરીવારો માટે આશાનુ કિરણ બની રહ્યો છે. મારા પુત્રને જન્મ જાત વાંકા પગ (કલબ ફુટ) ધરાવતો હતો તે જાણીને અમે ઘણા દુઃખી થયા હતા.
તેની સારવાર માટે અમે ખર્ચ કરી શકવાની સ્થિતિમાં ન હતા. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અધિકારીઓએ અમને સાંત્વના અને માર્ગદર્શન આપ્યુ. તે અનુસાર અમે પોલીયો ફાઉન્ડેશન અમદાવાદ ખાતે સારવાર શરૂ કરી અને બીમારી ધીરે ધીરે ઓછી થતી ગઇ આજે મારો પુત્ર સારી રીતે ચાલતો અને દોડતો થયો છે. તેની અમને ઘણી ખુશી થાય છે અને સરકારનો આભાર માનવા માટે અમારી પાસે શબ્દો નથી.