લુણાવાડામાં નિ:શુલ્ક નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મહીસાગર પોલીસ અને તથાતા ફાઉન્ડેશન દ્વારા આયોજન : ૫૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો : ૫૦થી વધુ બ્લડયુનિટ એકત્ર
મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દેસાઇના માર્ગદર્શન હેઠળ તથાતા ફાઉન્ડેશનના નરેશ દેસાઈ અને ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા લુણાવાડા સરદાર પટેલ વિદ્યાલય ખાતે સૌના નિરામય સ્વાસ્થ્યની મંગલમય કામના સાથે નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાયો. જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, રાજવી પરિવારના સિધ્ધરાજ સિંહજી,પુષ્પેન્દ્રસિંહજી, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મૂકી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આયુર્વેદથી જાળવણી વિશે જણાવી જિલ્લાના નાગરિકોના પ્રેમ, લાગણી અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો.મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નિઃશુલ્ક રોગ નિદાન શિબિરના આ સેવાકાર્યનો નિષ્ણાંત તબીબો,આયુર્વેદના વૈધ, જિલ્લાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી ઉમદા સેવાઓનો 500થી વધુ દર્દીઓએ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો તેમજ રક્તદાન મહાદાનના મંત્રને સાર્થક કરવા રક્તદાન શિબિરમા ઉપસ્થિત રકતદાતાઓનું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૫૦થી વધુ બલ્ડયુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું.