લુધિયાણા કોર્ટમાં બોમ્બ વિસ્ફોટ: બેનાં મોત
લુધિયાણા, લુધિયાણાની કોર્ટ પરિષદમાં આજે સવારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી હતી આ દરમિયાનમાં જ બીજા માળે અચાનક જ પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર સંકુલમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે નાસભાગનાં કારણે સંખ્યાબંધ લોકો ઘવાયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે.
પ્રાથમિક તપાસમાં બે વ્યક્તિઓનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે અને કેટલાંક લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં છે. આ ઘટનાનાં પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટ ખૂબ જ પ્રચંડ હોવાથી ઈમારતને પણ નુકસાન થયું છે. એફએસએલનાં અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુનો આંક વધવાની દહેશત સેવાઈ રહી છે.