લૂંટેરી દુલ્હને યુવક સાથે ત્રણ લાખની છેતરપીંડી કરી
અમદાવાદનો ચેતવણી સમાન કિસ્સો–યુવતીએ અગાઉ પણ બે યુવક સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાનું જણાતા અમદાવાદના યુવકે ફરિયાદ કરી
અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં સાત લોકો સામે લગ્ન કરીને ત્રણ લાખની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. માણસા ખાતે રહેતો એક ૩૮ વર્ષીય યુવક યોગ્ય પાત્રની શોધમાં હતો. ત્યારે તેના પિતાના એક ઓળખીતા વ્યક્તિએ એક મહિલા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો.
જે મહિલાએ દાસ્તાન સર્કલ પાસે રહેતી સોનલ નામની યુવતી સાથે એક એડવોકેટના ત્યાં લગ્ન કરાવી આપ્યા હતા. બાદમાં યુવતીને આણું ફેરવવા અને માતાજીના નિવેદ માટે લઈ જવાનું કહી યુવતી સહિતના લોકો ફરાર થઇ ગયા હતા. લગ્ન સમયે સોનલ નામની યુવતીની ભાભી તરીકે ઓળખ આપનાર મહિલાને અઢી લાખ આ યુવકે આપ્યા હતા.
પણ બાદમાં પત્ની પરત ન આવતા તેને જાણવા મળ્યું કે, તેની પત્નીએ અગાઉ પણ બે લોકો સાથે લગ્ન કરી ઠગાઈ આચરી હતી. ગાંધીનગરના માણસા ખાતે રહેતા ૩૮ વર્ષીય યુવક તેમના પરિવાર સાથે રહે છે અને એક જ્વેલર્સની દુકાનમાં સોની કામ કરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. આ વ્યક્તિના લગ્ન માટે તેમના પરિવારજનો સમાજમાં કન્યાની શોધમાં હતા. પરંતુ તેમના માટે કોઈ કન્યા ન મળતાં તેમના પિતાએ ઓળખીતા મુકેશભાઈનો સંપર્ક કર્યો હતો.
આ મુકેશભાઈ અંબાજીમાં રહેતા હોવાથી તેઓને વાત કરતાં તેઓએ લક્ષ્મીબેન સિંધીનો નંબર આપ્યો હતો અને જણાવ્યું કે, આ બહેન કોઈ પરિચિત છોકરીઓના સંપર્ક કરી લગ્ન કરાવી આપે છે. જેથી દોઢેક મહિના પહેલા લક્ષ્મીબેન સિંધીનો સંપર્ક તેઓએ કર્યો હતો. લક્ષ્મી બેને આ યુવકના પિતાને જણાવ્યું હતું કે, સોનલ પંચાલ નામની એક ગરીબ ઘરની અને સંસ્કારી દીકરી છે. જેનો સંપર્ક કરવા માટે આ યુવકને તેના પરિવારજનો સાથે નરોડા દાસ્તાન સર્કલ ખાતે બોલાવ્યા હતા.
ત્યાં લક્ષ્મીબેન અને તેની સાથે વિજય નામનો એક વ્યક્તિ આવ્યો હતો. બાદમાં છોકરીનું ઘર જાેવા લઈ જઈએ તેમ કહી દાસ્તાન સર્કલ પાસે આવેલા સાત માળિયા ફ્લેટમાં તેઓને ત્યાં લઇ ગયા હતા. ત્યાં સોનલ નામની છોકરી બતાવી હતી. બાદમાં યુવક સાથે વાતચીત કરતાં બંને એક બીજાને પસંદ આવ્યા હતા અને સોનલે લગ્ન કરવાની હા પાડી હતી.
બાદમાં તેઓ આ યુવકનું મકાન જાેવા પણ આવ્યા હતા. બાદમાં ૧૪મી મેના રોજ ગોમતીપુર ખાતે એક એડવોકેટની ઓફિસમાં બન્ને પક્ષોને બોલાવ્યા હતા. જ્યાં આ યુવક અને સોનલના લગ્ન કરાવવામાં આવ્યા હતા. બાદમાં સોનલની ભાભી લલીતા નામની મહિલાને અઢી લાખ રૂપિયા આ યુવકે આપ્યા હતા અને ૫૦, ૦૦૦ રૂપિયા લક્ષ્મીબેનને ટ્રાન્સફર કર્યા હતા.
લગ્ન બાદ સોનલ આ યુવકના માણસા ખાતેના ઘરે આવી હતી અને આઠ દિવસ તેના ઘરે રોકાઇ હતી. બાદમાં લક્ષ્મીની સાથેના વિજયભાઈના પત્ની તથા લલીતાબેન ગાડી લઈને આ યુવકના ઘરે આવ્યા હતા અને સોનલનું આણું ફેરવવાનું અને માતાજીનું નિવેદ કરવાનું હોવાનું જણાવ્યું હતું અને તેમના ઘરેથી લઈ ગયા હતા.
બાદમાં ચાર દિવસ બાદ સોનલને તેડી જવાનું કહ્યું હતું. ત્યારે યુવક ચાર દિવસ બાદ સોનલને ફોન કરતાં ફોન ઉપાડ્યા નહોતા. બાદમાં તેની ભાભી તરીકેની ઓળખ આપનાર લલિતાને પણ ફોન કરતા તેને પણ અવારનવાર વાયદા કરી સોનલને પરત મોકલી નહોતી. દાસ્તાન સર્કલ પાસેના લલીતાબેનના ઘરે જઈને તપાસ કરી તો તેનું મકાન બંધ હતું અને આસપાસમાં પૂછપરછ કરતા લોકોએ જણાવ્યું કે, લલીતાબેન ત્યાં આવતા નથી.
બાદમાં રાધેજા ખાતે રહેતા એક ભાઈ આ યુવકના ઘરે આવ્યા હતા અને લગ્નનું સર્ટી માગ્યું હતું. ત્યારે યુવકે જણાવ્યું કે, કોરોનાના કારણે સર્ટીફીકેટ આપ્યું નથી. જેથી તેઓએ જણાવ્યું કે, સોનલ નામની છોકરીના તેમના દીકરા સાથે પણ લગ્ન થયા છે તે અંગેનું પ્રમાણપત્ર પણ બતાવ્યું હતું.
જેથી આ યુવક સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ યુવકે તપાસ કરી તો સોનલ નામની યુવતીએ અગાઉ બે લોકો સાથે પણ લગ્ન કર્યા હતા. જેથી ગોમતીપુર પોલીસે આ મામલે સોનલ પંચાલ, લલીતા પંચાલ, મહેશ પંચાલ, લક્ષ્મી સિંધી, વિજય, દશરથલાલ આર્ય અને એડવોકેટ શૈલેષ સોલંકી નામના લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.