લૂંટેરી દુલ્હન ગેંગઃ અંજારના કંદોઈ પરિવાર સાથે ર.૧૦ લાખની ઠગાઈ કરી હતી
લગ્ન વાંચ્છુક છોકરાઓ શોધી પરણીત છોકરીઓના લગ્ન કરાવતી ટોળકી ઝડપાઈ
અંજારના કંદોઈ પરિવાર સાથે ર.૧૦ લાખની ઠગાઈ કરીને વડોદરાના ભેજાબાજોએ ર૦ર૩ના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરાવ્યા હતા
વડોદરા, લગ્ન વાંચ્છુક છોકરાઓ સાથે પરણીત છોકરીઓના નામો બદલીને લગ્ન કરાવીને મોટી રકમ પડાવતી ટોળકીની ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોની વડોદરામાં ધરપકડ કરવામાં આવી છે. વડોરાના ભેજાબાજોએ ડિસેમ્બર ર૦ર૩માં લગ્ન કરાવ્યા બાદ બે-ત્રણ દિવસમાં જ છોકરીના માતા-પિતા બીમાર હોવાનું જણાવીને છોકરાના ઘરેથી નીકળી જઈને રૂ.ર.૧૦ લાખની ઠગાઈ કરી હતી.
અંજારના મથડા ખાતે રહેતા દીપક હરીલાલ કંદોઈ તેમના ર૯ વર્ષના દિકરા સુમિત માટે તેઓ છોકરી શોધતા હતા. તેમના ગામમાં જ રહેતા પરિચીત કુલદીપ ગાંધી તથા શીતલ ગાંધીએ વડોદરામાં રહેતા રાજુભાઈ નામની વ્યક્તિને ઓળખતા હોવાનું જણાવ્યું હતું. તેઓ સગાઈ અને લગ્ન કરાવી આપશે પરંતુ તેના બે લાખ રૂપિયા લેશે. રાજુભાઈએ બે છોકરીઓ બોલાવી હતી
જેમાં પૂજાબેન વિક્રમભાઈ ગંગડિયા (રહે.શક્તિપરા સોસાયટી, સુરેન્દ્રનગર)ને સુમિતે પસંદ કરી હતી. પૂજા અને સુમિતની સગાઈ થઈ હતી. આ સમયે રાજુભાઈને પચાસ હજાર રોકડા તથા રસ હજાર ગાડીના ભાડાના આપ્યા હતા. બાદમાં વીસ દિવસ પછી સુમિત અને પૂજાના વડોદરામાં લગ્ન રાખવાનું નક્કી થયું હતું. લગ્નવિધિ બાદ રાજુભાઈને બાકીના સવા લાખ રોકડા તથા રપ હજાર ગૂગલ પેથી ચૂકવ્યા હતા.
સુમિત-પૂજાના લગ્ન થઈ ગયા બાદ ત્રણ દિવસ પછી રાજુભાઈનો ફોન ગયો હતો. પૂજાની માતા સીતાની તબિયત બરાબર ન હોવાથી ચારેક દિવસ માટે પૂજાને ઘરે મોકલવા જણાવ્યું હતું. પૂજા ચાર દિવસ તેના પિયર ગઈ હતી. જે દશેક દિવસ સુધી પરત ન આવતા ફોન કરતાં પૂજા તેઓને જેમ તેમ બોલવા લાગી હતી જેની રાજુભાઈને ફરિયાદ કરતાં પૂજા આવવાની ના પાડતી હોવાનું જણાવ્યું હતું.
આ અંગેની વડોદરા પીસીબીને જાણ થતાં પોલીસે કિશનવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઉર્ફે ટીનો બચુભાઈ તડવી, વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મંડાળા ગામના મૂળ વતની તથા આજવા રોડ પર આવેલ શુભમ કોમ્પલેક્ષમાં રહેતા મહેન્દ્ર રમણભાઈ વણકર, આજવા રોડ પર જ નહેરૂ ચાચા વસાહતમાં રહેતા પૂજાબેન વિજયભાઈ અંધારીયા, હંસાબેન રાજુભાઈ તડવી વગેરેની ધરપકડ કરી હતી. આ આખી ટોળકી કિશનવાડી ખાતે આવેલા રાજુભાઈના નિવાસસ્થાનેથી પડકાઈ ગઈ હતી.