લેન્ડલુઝર દ્વારા આંદોલન ઉધોગોને પાણી પૂરું પાડતા ગ્રામજનોના ધરણા
૧૩ વર્ષ થી જમીન ગુમાવી રોજગારી માટે તરસી રહ્યા છે લેન્ડલુઝર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વાગરા તાલુકાના રહિયાદના ગ્રામજનોએ કાયમી રોજગારીની માંગ સાથે પુનઃ આંદોલન નું શસ્ત્ર ઉગામી જીઆઈડીસી તળાવના ગેટ પર ધરણા યોજી માંગ ન પુરી થાય ત્યાં સુધી પરિવારજનો સાથે આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
ઔદ્યોગિક વિકાસ હેતુ માટે વાગરા તાલુકાના રહિયાદ ગામ માં જમીન વિહોણા ખેડૂતોની વર્ષ ૨૦૦૮માં તેઓને સંપૂર્ણ ખેતીલાયક જમીન જીઆઇડીસી ને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી.જેમાં તે સમયે જીઆઈડીસીના અધિકારી દ્વારા ટૂંક સમયમાં જમીન વિહોણા ખેડૂતો ને કાયમી ધોરણે રોજગારી આપવા અને ગામના વિકાસ કરવાનો એક લેખિત વચન સાથે નો પત્ર વર્ષ ૨૦૦૮માં આપ્યો હતો.આ વાત ને ૧૩ વર્ષ વીતી જવા છતાં હાલ સુધી કોઈ અમલ કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપ સાથે અવાર નવાર આવેદનપત્રો પાઠવવા સાથે આંદોલનો પણ કર્યા તે સમય પુનઃ વાયદાઓ કરાયા પણ અમલ ના નામે કોઈ જ કામગીરી થઈ નહિ.
ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે ઘણી બધી મીટીંગો સાથે ઘણા બધા પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યા છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રહિયાદ ગામે આવેલા રહિયાદ ગામ જીઆઈડીસીના તળાવમાં છેલ્લા પાંચ વર્ષથી રહિયાદ ગામની સીમમાં કાર્યરત છે.જે જમીન પર તળાવ બનાવેલ છે તેમાં ૫૯ જેટલા ગામના લેન્ડ લુઝરે જમીન ગુમાવી છે.આવેદનપત્ર મુજબ ત્યાં બહારના લોકો આવીને કામ કરે છે
પણ તેમાં એક પણ લેન્ડ લુઝર ને આજ દિન સુધી રોજગારી ન મળતા અંતે રહિયાદના ગ્રામજનોએ પુનઃ આંદોલન નું શસ્ત્ર ઉગામી જીઆઈડીસીના ગેટની બહાર ધરણા પર બેસી જ્યાં સુધી તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રહિયાદ ના ગ્રામજનોને ૧૩ વર્ષ થી માત્ર ઠાલા વચનો જ મળતા રહ્યા છે તેવી જ હાલત અન્ય લેન્ડલલૂઝર્સની પણ જીલ્લામાં છે.ત્યારે આવા મુદ્દે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે આવશ્યક છે નહીં તો ગ્રામજનોના ઉગ્ર આંદોલનથી ઔધોગિક શાંતિ પણ જોખમાઈ શકે છે.