Western Times News

Gujarati News

લેન્ડ ગ્રેબિંગ એક્ટની પ્રથમ ફરિયાદમાં બે શખ્સ ઝડપાયા

ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં રહેલા નરેશ રાજુભાઈ સિંધવ સહિત અન્ય ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો
રાજકોટ, રાજકોટ જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ અંતર્ગત પ્રથમ ફરિયાદ નોંધાવા પામી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે અન્ય ગુનાના કામે જેલમાં રહેલા બે આરોપીઓના જેલમાંથી કબજાે મેળવવામાં આવશે.

ગત સપ્તાહે જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા, રૂડાના ચેરમેન તેમજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણા વસિયા તેમજ ડેપ્યુટી કલેકટરો ની એક બેઠક મળી હતી. જે બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત મળેલ અરજીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે માત્ર એક સપ્તાહ ની અંદર રાજકોટ શહેર તેમજ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવા પામી છે.

જે ફરિયાદ અંતર્ગત નિખિલ દોંગાના સાગરીત તેમજ હાલ ગુજસીટોક ના ગુના હેઠળ જેલમાં રહેલા નરેશ રાજુભાઈ સિંધવ સહિત અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનામાં આઈપીસીની કલમ ૪૦૬,૪૪૭,૩૮૬, ૩૨૩, ૫૦૪,૫૦૬ (૨) તેમજ ૧૨૦ બી તથા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ ની કલમ ૩,૪,૫(ગ) તો સાથો સાથ જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે ન્યુઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગજેન્દ્રભાઈ ઉર્ફે ગિજુભાઈ શીવાભાઈ સાંગાણી કે જેઓ મૂળ ચરખડી ગામના વતની છે તેઓના દ્વારા કલેકટર માં અરજી કરવામાં આવી હતી કે જેતપુર તાલુકાના વિરપુર ગામ ખાતે રહેલ જમીન ધાક-ધમકી આપી બળજબરી કરી છેતરપિંડી કરી પડાવી લીધેલ તેમજ જમીન ખરીદ મામલે અવેજ પેટે આ પડતી રકમ પણ પૂરતી આપેલ નહોતી.

હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચાર આરોપીઓ પૈકી રમેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ ધીરુભાઈ બચુભાઈ તમારા જેવો ગોંડલ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ આધારિત કર્મચારી છે તેની ધરપકડ કરવામાં આવી છે. રમેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ ધીરુભાઈ બચુભાઈ ગમારા ને દસ દિવસના રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો સાથોસાથ અન્ય બે આરોપીઓ કમલેશભાઈ રાજુભાઈ સિંધવ તેમજ રાજેશભાઈ રાજુભાઈ સિંધવ કે જેઓ હાલ અન્ય ગુનાના કામે જેલમાં છે તેમનો કબજાે મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગોંડલ ખાતે ગુજસીટોક નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુજસીટોક ના ગુના હેઠળ નરેશભાઈ રાજુભાઈ સિંધવ ની પણ ધરપકડ કરવામાં આવી હતી જે ગુનાના કામે તે હાલ જેલમાં છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત જે પણ ફરિયાદ કલેકટરને મળે છે તે ફરિયાદ પ્રાંત અધિકારી અથવા તો પોલીસ વિભાગે તે બાબત નો રિપોર્ટ કલેક્ટરમાં ૨૧ દિવસની અંદર સબમીટ કરવાનો હોય છે. રિપોર્ટ સબમીટ થયા બાદ જાે તે અરજી બાબતે ગુનો દાખલ થતો હોય તો તે બાબતે સાત દિવસમાં જ ગુનો દાખલ કરવાનો હોય છે. તેમજ ગુનો દાખલ થયા થી માત્ર ૩૦ દિવસની અંદર જ ગુનાની તપાસ, આરોપીઓની ધરપકડ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ૩૦ દિવસમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવાની હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.