લેબમાં ભીષણ આગ ફાટી નીકળતા ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત
નવી દિલ્હી, આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના અક્કીરેડ્ડીગુડેમમાં બુધવારે મોડી રાત્રે એક કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોટી દુર્ઘટના બની છે, આ ઘટનામાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત થયા.
કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં થયેલા આ અકસ્માતમાં ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેમને સારવાર અર્થે વિજયવાડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે વિકરાળ આગે કેમિકલ ફેક્ટરીના બે માળને પોતાની લપેટમાં લઈ લીધા હતા, જ્યાં ૧૭ કામદારો કામ કરી રહ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બિહારના રહેવાસી હતા અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના અક્કીરેદ્દીગુડેમ સ્થિત પોરસ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા.
વેસ્ટ ગોદાવરી જિલ્લાના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યું છે કે, ‘પોરસ કેમિકલ ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જ્યાં પોલિમર બનાવવાનું કામ કરવામાં આવે છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ગેસ પાઈપલાઈનમાં લીક થવાથી કે તૂટવાને કારણે આ ઘટના બની હોઈ શકે છે. આગ લાગ્યા બાદ મોટી મોટી જ્વાળાઓ આકાશમાં ઉઠી રહી હતી, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.અમે પહેલા બે મૃતદેહ બહાર કાઢ્યા છે, ચાર હજુ પહેલા માળેથી બહાર કાઢવાના બાકી છે. ૧૧ ઘાયલોને વિજયવાડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.SSS