લૉકડાઉનમાં ઈ-પાસ માટે પોલીસને વિચિત્ર અરજી
નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીએ કોહરામ મચાવ્યો છે. બીજી લહેરમાં અનેક પરિવાર બરબાદ થયા છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે કેટલાક રાજ્યોએ કડક નિયંત્રણ લાદી દીધા છે, તો કેટલાક સંપૂર્ણ લોકડાઉન તરફ વળ્યા છે. કોરોના સામે લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને માસ્ક પહેરવું જરૂરી છે. જેનું પાલન કરાવવા દેશના વિવિધ રાજ્યોની પોલીસ પ્રયાસો કરે છે. જે રાજ્યોએ લોકડાઉન અને આંતરરાજ્ય ટ્રાવેલ બંધ રાખવાનો ર્નિણય લીધો છે, તે રાજ્યોએ લોકોને ઇમરજન્સી જરૂર માટે ઈ-પાસ મેળવી લેવા કહ્યું છે. જાેકે, ઈ-પાસ અત્યારે પોલીસ માટે માથાનો દુઃખાવો બની ચૂક્યા છે.
ઈ-પાસ માટે પોલીસ પાસે ઢગલાબંધ અરજીઓ આવે છે. ઘણી અરજીઓમાં વિચિત્ર કારણ હોય છે. આવો જ એક કિસ્સો કેરળ પોલીસ સમક્ષ રજૂ થયો હતો. પોલીસને એક વ્યક્તિએ સેક્સ માટે બહાર નીકળવા દેવા વિનંતી કરી હતી. કન્નુરના કન્નપુરમના ઇરીનાવના રહેવાસીએ તેની ઇ-પાસ અરજીમાં ‘સેક્સ’ માટે બહાર જવા દેવા વિનંતી કરી હતી. આ વ્યક્તિ સાંજે કન્નુરની એક જગ્યાએ જવા માંગતો હતો.
કેરળ કૌમુદીના અહેવાલ મુજબ આવી અરજી મળતા જ આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ એલર્ટ થઈ ગયા હતા અને વલપટ્ટનમ પોલીસને તે વ્યક્તિને અટકાયત કરવા સૂચના આપવામાં આવી હતી. તેને પૂછપરછ માટે સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ બાબતે વ્યક્તિએ આશ્ચર્યજનક બચાવ કર્યો છે. તેણે કહ્યું કે, અરજીમાં ‘સિક્સ ઓ ક્લોક’ની જગ્યાએ સેક્સ લખાઈ ગયું હતું. અરજી મોકલતા પહેલા આ સ્પેલિંગ ભૂલ સુધારી ન હોવાનું તેનું કહેવું છે. આ વ્યક્તિએ માફી માંગી લેતા પોલીસે તેને બિનઆવશ્યક વસ્તુઓ માટે અરજી ન કરવાની તાકીદ કરી જવા દીધો હતો.
આવો જ એક કિસ્સો બિહાર પોલીસ સાથે બન્યો હતો. બિહાર પોલીસ સમક્ષ ઈ-પાસ અરજીમાં વિચિત્ર બહાનું બતાવવામાં આવ્યું હતું. વ્યક્તિએ ખીલની સારવાર માટે ટ્રાવેલ કરવાની જરૂર હોવાથી ઈ-પાસની મંજૂરી માંગી હતી. પૂર્ણિયાના ડિસ્ટ્રાક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ટિ્વટ કરી આ ઘટનાની વિગત અપાઈ હતી. રાહુલ કુમારે લખ્યું કે, લૉકડાઉન દરમિયાન ઈ-પાસ માટે મળતી મોટાભાગની અરજીઓ સાચી હોય છે. પણ ક્યારેક આવું પણ બને છે. તમારી ખીલની સારવાર રાહ જાેઈ શકે છે. જ્યારથી લોકડાઉનની લાદવામાં આવ્યું છે, ત્યારથી કેટલાક લોકો દ્વારા બહાર નીકળવા માટે વિચિત્ર બહાના બતાવવામાં આવે છે. ત્યારે પોલીસે આવા બહાનામાં કેવો જવાબ આપ્યો તે અંગે અનેક અહેવાલ સામે આવી ચૂક્યા છે.