Western Times News

Gujarati News

લૉકડાઉનમાં કામદારોને રૂ.3200 કરોડનુ વેતન ચૂકવાયું

પ્રતિકાત્મક

શ્રમ અને રોજગાર વિભાગે  લૉકડાઉન દરમ્યાન કામદારોને મદદરૂપ થવા અનેક પગલાં લીધા હતાં

ગાંધીનગર: લૉકડાઉન દરમ્યાન બિનસંગઠીત ક્ષેત્રના શ્રમિકોને રૂ. 3200 કરોડનુ વેતન ચૂકવવામાં આવતાં કોવિડ-19ના કારણે ચુસ્તપણે લદાયેલા લૉકડાઉનમાં કપરી સ્થિતિમાં મુકાયેલા કામદારોને ખૂબ જ રાહત થઈ હતી.  શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે તેમના વિભાગે  કામદારોને પૂરૂ વેતન ચૂકવાય તે માટે હજારો માલિકો સુધી પહોંચવા માટે જંગી પ્રયાસો હાથ ધર્યા હતા.

શ્રી મિત્રાએ વધુમાં જણાવ્યુ હતું કે “અમારા અધિકારીઓ ફોન, ઇમેઇલ, વ્હોટ્સએપ અને એસએમએસ દ્વારા હજારો ફેક્ટરીઓ, વ્યાપારી સંસ્થાઓ અને દુકાનોમાં પહોંચી ગયા અને તેમના કામદારોને સમયસર વેતન ચૂકવવા જણાવ્યુ હતું. અમે એક હેલ્પલાઈનની પણ શરૂઆત કરી હતી કે જયાં કામદારો તેમની વેતન સંબંધી ફરિયાદો જણાવી શકતા હતા. આ સક્રિય અભિગમને કારણે  કામદારોને વેતન તરીકે તેમના માલિકોએ રૂ. 3183 કરોડથી વધુ રકમ ચૂકવી હતી.”

રાજ્ય સરકાર લૉકડાઉનમાં જે કામદારો પોતાના વતનના રાજ્યમાં જવા માગતા હતા તેમની વ્હારે આવી હતી અને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી હતી. ગુજરાતમાંથી 1006 સ્પેશ્યલ ટ્રેનો મારફતે 14.64 લાખ કરતાં વધારે કામદારો પોતાના વતન પહોંચ્યા હતા.

શ્રી મિત્રા કે જેમની કામદારો, વિદ્યાર્થીઓ, યાત્રીકો, પ્રવાસીઓ અને અન્ય ફસાયેલા લોકોને વતનમાં મોકલવા માટે નોડલ ઓફિસર તરીકે નિમણુક કરાઈ હતી તે જણાવે છે કે “ ગુજરાતમાંથી સૌથી વધુ શ્રમિક ટ્રેનો રવાના કરવામાં આવી હતી. આ એક જંગી કામગીરી હતી અને તેમાં શ્રમિકોને સ્વીકારનાર રાજ્યો સાથે સંકલન કરવુ આવશ્યક હતું. આ ઉપરાંત હેલ્થ ચેક-અપ અને ભોજનની વ્યવસ્થા પણ કરવાની હતી. પરંતુ અમે આ બધી કામગીરી સરળતાથી પાર પાડી હતી.”

આ શ્રમીક ટ્રેનોમાંથી અડધાથી વધુ ટ્રેન  યુપીમાં મોકલાઈ હતી.  તે પછીના ક્રમે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ,  કેરાલા ઉત્તરાખંડ, મણીપુર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ તથા અન્ય રાજ્યોનો સમાવેશ થતો હતો.

શ્રમ અને રોજગાર વિભાગે આ  પ્રવાસીઓને વતનમાં મોકલવાની કામગીરી માટે  ગુજરાતમાં આશરે અડધાથી વધુ પ્રવાસી શ્રમિકોનુ ઘર ગણાતા સુરતમાં ડિરેકટર ઓફ ટ્રેઈનિંગ,  એન્ડ એમ્પલોયમેન્ટ, લેબર ડિરેકટર  અને ડિરેકટર ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જેવા ઉચ્ચ અધિકારીઓની નિમણુક કરી હતી.

શ્રી મિત્રાએ વધુમાં જણાવ્યુ હતું કે  આશ્રય ગૃહો (શેલ્ટર હોમ)માં રખાયેલા મધ્ય પ્રદેશ, રાજસ્થાન  અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોના હજારો શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં જવા માટે સ્પેશ્યલ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં પ્રવાસી શ્રમિકો માટે 236 આશ્રય ગૃહો ઉભાં કરવામાં આવ્યાં હતાં.  તેમના માટે રોકાણ, ભોજન તથા આરોગ્ય તપાસની સગવડ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની એક ખાસ ટીમે કઠવાડા ખાતેના આશ્રય ગૃહની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

શ્રી મિત્રાએ એવી પણ માહિતી આપી હતી કે મુખ્ય મંત્રી ગરીબ કલ્યાણ યોજનાના હિસ્સા તરીકે  6.38 લાખ બાધકામ શ્રમીકોનાં બેંકનાં ખાતાંમાં પબ્લીક ફાયનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે રૂ. .1,000ની રકમ જમા કરાવવામાં આવી હતી.

આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ 6.36 લાખ પ્રવાસી  મજૂરોને  ઘઉં, ચોખા, દાળ, ખાંડ મીઠુ વગેરે સામગ્રી ધરાવતી ફૂડ બાસ્કેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે  13 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત બિલ્ડીંગ  એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ દ્વારા સંચાલિત 34 ધનવંતરી રથ મારફતે  21.82 લાખ શ્રમીકોને ઓપીડી સર્વિસ પૂરી પાડવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.