લોકઅપમાં લૂંટના આરોપીએ જાતે ઇજા કરી પોલીસ સ્ટેશન માથે લીધું
અમદાવાદ, વટવા પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપીએ મને લોક્પમાં કેમ પૂર્યો છે આમ કહીને ગાળો બોલીને બાથરૂમમાં પડેલ પ્લાસ્ટિકનું ટબ તોડી પોતાના હાથ પર ઇજા કરીને પોલીસ સ્ટેશન માથે લીધું હતું. જાેકે લોકઅપ પાસે મૂકેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. વટવા પોલીસ સ્ટેશનના એએસઆઇ રસિકભાઇ ત્રિકમલાલે ઇમરાન શેખ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે વટવા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી ઇમરાન ઉર્ફે ગામડિયો શેખ અસલાલી સર્કલથી નારોલ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લઇને વટવા પોલીસને સોંપ્યો હતો. ત્યારે આરોપીએ વટવા પોલીસ સ્ટેશનનું લોક અપ રીતસરનું માથે લીધું હતું.
ગઇકાલે રાતે પોણા નવ વાગ્યાની આસપાસ આરોપી ઇમરાન ઉર્ફે ગામડીયો એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ તેમ ગાળો બોલી મને લોકઅપમાં કેમ રાખેલ છે, તેમ કહીને લોકઅપના બાથરૂમ પાસે ગયો હતો. અને પ્લાસ્ટિકનું ટબ તોડીને તેનાથી તેના હાથ અને કલાઇના ભાગે ઇજા કરી હતી.
જેથી પોલીસે આવું વર્તન ન કરવા અને શાંતિથી બેસવા કહેતાં એકદમ તે આવેશમાં આવી ગયો હતો. જેથી પોલીસે ઇમરાન શેખ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ આ જ પોલીસ સ્ટેશનમાં લૂંટ, મારામારી, ધમકી જેવા ગુનાના આરોપીએ લોકઅપમાં સ્ટીલની ડિશ વડે પોતાના હાથમાં ઇજા કરી પોલીસ કર્મચારીઓને તમે મને ઇજા કરી છે. હું તમારા વિરૂદ્ધ કોર્ટમાં ખોટી ફરિયાદ કરીશ અને તમને બધાંને હેરાન-પરેશન કરી નાખીશ તેવી ધમકી આપી હતી.