લોકડાઉનથી દેશનો જીડીપી વધુ ઘટી શકેઃ કુમાર મંગલમ
નવી દિલ્હી, દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે કોરોના મહામારી અને તેને પગલે લાગુ કરાયેલાં લોકડાઉનને કારણે દેશમાં સો વર્ષે એકવાર સર્જાય તેવી આર્થિક મંદી સર્જાઇ છે. આ નાણાંકીય વર્ષમાં પણ દેશનો જીડીપી ઘટે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી છે. બિરલાએ જણાવ્યું હતુ્ં કે કોરોના બરાબર એવા સમયે ત્રાટક્યો છે જ્ચારે વૈશ્વિક આર્થિક પ્રવાહી સ્થિતિ તથા દેશમાં નાણાંકીય સિસ્ટમમાં સર્જાયેલાં સંકટના કારણે પહેલેથી જ દેશનાં અર્થતંત્રની રફતાર ધીમી પડી ચૂકી હતી. બિરલાએ શેરધારકોને પાઠવેલા એક પત્રમાં જણાવ્યું છે કે ભારતનો ૮૦ ટકા જીડીપી એવા જિલ્લાઓમાંથી સર્જાય છે જે જિલ્લાઓ લોકડાઉન વખતે રેડ અથવા તો ઓરેન્જ કેટેગરીમાં મૂકાયા હતા. ત્યાં આર્થિક ગતિવિધિઓ પર માઠી અસર પડી હતી. તેના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપીમાં ખાસ્સો ઘટાડો આવે તેવી સંભાવના છે.
હાલની પ્રવાહી પરિસ્થિતિમાં કશું પણ ભાખવું અશક્ય છે. જોકે, એ નક્કી છે કે પ્રતિભાશાળી નેતૃત્વ, મજબૂત બિઝનેસ ફન્ડામેન્ટલસ્ તથા કટિન સંજોગોમાં પણ હેમખેમ રહેવાનો ટ્રેક રેકોર્ડ ધરાવતી કંપનીઓ આ નવી વૈશ્વિક વ્યવસ્થામાં વિજેતા બનીને ઉભરી આવશે એમ તેમણે કહ્યું હતું. બિરલાએ કહ્યું હતું કે હાલ આશાનું કિરણ એ છે કે આ મહામારીનો બીજો તબક્કો ધાર્યા મુજબ આવ્યો નથી અને ભારત સહિત વિશ્વભરમાં ધીમે ધીમે આર્થિક ગતિવિધિઓ શરૂ થઇ છે. આથી આ ભીષણ મંદી ભલે તીવ્ર હોય પરંતુ તે દીર્ઘકાલીન નહીં રહે તેવી આશા રાખી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ દેશના અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ પણ સદીઓમાં એક વાર આવે તેવી ભીષણ મંદી કોરોનાને પગલે આવી છે અને તેના કારણે આઝાદી પછીના ઇતિહાસમાં જીડીપીમાં સૌથી મોટો કડાકો આવવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે.SSS