લોકડાઉનના કારણે એપ્રિલમાં ૭૫ લાખ લોકોની નોકરી ગઈ
નવીદિલ્હી: દેશમાં કોરોનાની અસરના કારણે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. તેની અસર રોજગાર પર ખરાબ પડી રહી છે. સ્થાનિક લોકડાઉનના કારણે એપ્રિલમાં ૭૫ લાખ લોકોની નોકરી છુટી ગઈ છે. જ્યારે બેરોજગારી દર પણ ચાર મહીનના ઉચ્ચસ્તરને પાર કરતા ૮ ટકાની નજીક પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિએ આ વાત કહી છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસનું કહેવું છે કે રોજગારના મોરચે સ્થિતિ આગળ પણ પડકારજનક રહે તેવી શકયતા છે. તેમણે કહ્યું કે માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ૭૫ લાખ લોકોની નોકરીઓ ગઈ છે. તેના કારણે બેરોજગારી દરમાં વધારો થયો છે. સેન્ટરના પ્રારંભિક ડેટા મુજબ એપ્રિલમાં રાષ્ટ્રીય બેરોજગારી દર ૭.૯૭ ટકા રહ્યો છે. શહેરના ક્ષેત્રમાં બેરોજગારી દર ૯.૭૮ ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં ૭.૧૩ ટકા રહ્યો છે. માર્ચમાં રાષ્ટ્રીય બેરોજગારી દર ૬.૫૦ ટકા રહ્યો હતો. શહેર અને ગ્રામીણ ક્ષેત્રમાં પણ બેરોજગારી દર નીચા હતા.
વ્યાસનું કહેવું છે કે કોવિડની બીજી લહેરના કારણે સ્થાનિક સ્તરે નાના-નાના લોકડાઉન લગાવવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન માત્ર આવશ્યક ગતિવિધિઓના સંચાલનની મંજૂરી છે. તેના કારણે મોટા સ્તરે આર્થિક ગતિવિધિઓ ધીમી પડી રહી છે. તેની અસર નોકરીઓ પર પડી રહી છે. વ્યાસે કહ્યું હું નથી જાણતો કે કોવિડની બીજી લહેરનો પીક ક્યારે આવશે, જાેકે તેના કારણે રોજગાર પર સર્જાનારો તણાવ હું જાેઈ શકુ છું.
બેરોજગારી દર વધુ રહેવા પર વ્યાસે કહ્યું કે તેનાથી લેબરની ભાગીદારીમાં પણ ઘટાડો આવશે. તેમણે કહ્યું કે ખરાબ સ્થિતિમાં લેબર ભાગીદારી અને નોકરીઓ બંને પર અસર પડશે. જાેકે વ્યાસે કહ્યું કે હાલ સ્થિતિ પહેલા લોકડાઉન જેવી ખરાબ થઈ નથી. ગત વર્ષે લગાવવામાં આવેલા લોકડાઉનમાં બેરોજગારી દર ૨૪ ટકા સુધી પહોંચી ગયો હતો.