લોકડાઉનના ડરે ખરીદી માટે લોકોની બજારોમાં ભીડ
અમદાવાદ, ગુજરાતમાં કોરોના બેફામ બન્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ત્રણ-ચાર દિવસનો સંપૂર્ણ કરફ્યુ જરુરી હોવાનું જણાવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સરકાર ગમે ત્યારે લોકડાઉન જાહેર કરી દેશે તેવા ડરે લોકોએ કરિયાણાની દુકાનો અને મોલ્સ આગળ લાઈનો લગાવતા ફરી એકવાર ૨૦૨૦માં જાેવા મળ્યા હતા તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યના અન્ય શહેરોમાં પણ પેનિક બાયિંગ શરુ થઈ ગયું છે.
ગયા વર્ષે માર્ચના છેલ્લા સપ્તાહમાં લોકડાઉન લાગુ કરાયું ત્યારે પણ લોકોએ જરુર ના હોય તો પણ માત્ર ડરના માર્યા જ કરિયાણાની મોટાપાયે ખરીદી કરી દુકાનો સાફ કરી નાખી હતી. દૂધની દુકાનો પર પણ લાંબી-લાંબી લાઈનો જાેવા મળી હતી. દૂધ, કરિયાણા અને દવાની દુકાનો ચાલુ રહી હોવા છતાંય લોકોએ પેનિક બાયિંગ કર્યું હતું, ત્યારે હવે ગયા વર્ષ જેવી જ સ્થિતિ ફરી એકવાર જાેવા મળી રહી છે.
ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્યમાં બેફામ બનેલા કોરોનાની ગંભીર નોંધ લેતા સરકારને વાયરસ કાબૂમાં લેવા માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, કોરોનાની ચેઈન તોડવા માટે શું પગલા લેવાયા તેની પણ વિગતો માગી હતી. આ સિવાય ત્રણ-ચાર દિવસના કરફ્યુ અંગે પણ સૂચન કર્યું હતું. કોર્ટની ટકોર બાદ રાજ્યમાં ત્રણ-ચાર દિવસ સુધી બધું બંધ રાખવું કે કેમ તેની સરકાર ગમે ત્યારે જાહેરાત કરી શકે છે.
આમ પણ ગુજરાતના મહાનગરોમાં શનિ-રવિ મોલ્સ બંધ રાખવાનો આદેશ ક્યારનોય અપાઈ ચૂક્યો છે. આ સિવાય રાત્રે ૯થી સવારે છ વાગ્યા સુધીનો કરફ્યુ પણ હાલ અમલમાં છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે, અને આખા રાજ્યમાં તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ પણ તાજેતરમાં જ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
જાેકે, સીએમ અને ડેપ્યુટી સીએમે અત્યારસુધી અનેકવાર એવા દાવા કર્યા છે કે રાજ્યમાં હાલ લોકડાઉન લાગુ કરવાની કોઈ યોજના નથી. ગુજરાતમાં કોરોનાએ છેલ્લા કેટલાક દિવસોથી માઝા મૂકી છે. તેમાંય સોમવારે તો નવા કેસોની સંખ્યા ૩૧૦૦ને પાર પહોંચી જતાં લોકોમાં પણ હવે ફફડાટ ફેલાઈ રહ્યો છે.
રાજ્યોની હોસ્પિટલો ૨૦૨૦ બાદ ફરી એકવાર કોરોનાના દર્દીઓથી ભરાઈ રહી છે, સ્મશાનોમાં અંતિમવિધિ માટે નનામીઓની લાઈનો દેખાઈ રહી છે. અધૂરામાં પૂરું રાજ્યમાં ક્રિટિકલ દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની ડિમાન્ડમાં પણ જાેરદાર ઉછાળો આવ્યો છે, અને રેમડેસેવીર ઈન્જેક્શનના કાળાબજાર પણ થઈ રહ્યા છે. જે સૂચવે છે કે રાજ્યમાં સ્થિતિ ખરેખર ગંભીર છે.