લોકડાઉનના લીધે અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું
-૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં બળાત્કાર, આકસ્મિક મૃત્યુના કિસ્સાઓમાં ૬ ટકા જેટલો વધારો નોંધાયો હતો-લોકડાઉનના કારણે ગુનાહિત પ્રવૃતિમાં ૮%નો ઘટાડો થયો
અમદાવાદ, વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં શહેરમાં ૨૦૨૦માં બળાત્કાર અને આકસ્મિક મૃત્યુના કિસ્સાઓમાં ૬ ટકા જેટલો વધારો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૦માં ચોરીની સંખ્યામાં ઘટાડો થયો હતો, જે ૨૦૧૯માં ૫૨૯ હતો. ૨૦૨૦માં શહેરમાં એકંદરે ગુનાના કેસોમાં પાછલા વર્ષની તુલનામાં ૮.૪% નો ઘટાડો નોંધાયો હતો.
કેટલાક અધિકારીઓ આ ઘટાડા માટે લોકડાઉનને જવાબદાર ગણાવે છે. અમદાવાદ પોલીસ કમિશનરે ૨૦૨૦માં આકસ્મિક મૃત્યુ અને આપઘાત સહિત ૬,૫૦૫ ગુના નોંધ્યા હતા. ગ્રામીણ અમદાવાદમાં, લૂંટ અને ઘરફોડ ચોરીના કિસ્સામાં અનુક્રમે ૧૩ ટકા અને ૮ ટકાનો વધારો થયો હતો. ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં ગ્રામીણ અમદાવાદમાં આપઘાતના બનાવોમાં ૨૩ ટકાનો વધારો થયો હતો.
કોર્પોરેશન વિસ્તારને બાદ કરતાં અમદાવાદ જિલ્લામાં ૨૦૨૦માં ગુનાહિત પ્રવૃતિમાં એકંદરે ૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જિલ્લામાં ૨૦૨૦માં ૧,૧૪૧ કેસ નોંધાયા હતા. ધંધુકામાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલે પૂછેલા સવાલના જવાબમાં ગૃહ વિભાગે વિધાનસભામાં આ ડેટા આપ્યો હતો.
સરકારે કહ્યું હતું કે, ૧૧ જુદા-જુદા ગુનાઓમાંથી, શહેરમાં બળાત્કાર, આકસ્મિક મૃત્યુ અને હત્યાના પ્રયાસની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. અન્ય ગુનાઓમાં ઘટાડો જાેવા મળ્યો હતો. ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે શહેર અને જિલ્લામાં ગુનાના આંકડામાં તીવ્ર ઘટાડો થયો હતો.
તો આ જ સમયે ગૃહ કંકાસ વધ્યો હતો. સરકારના જવાબ મુજબ, શહેરમાં ૨૦૧૯ની સરખામણીમાં આપઘાત અને આકસ્મિક મૃત્યુ સહિતના ૬,૫૦૫ ગુના નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં પણ ૨૦૧૯ના ૧,૨૫૫ કિસ્સાની સામે ૨૦૨૦માં ૧,૧૪૧ કિસ્સા નોંધાયા હતા.
ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગુનાના કેસોમાં ઘટાડો માત્ર લોકડાઉનના કારણે થયો હતો. ડેટા એકત્રિત કરતી વખતે તે જાણ થઈ હતી કે, શહેરમાં એપ્રિલથી ઓગસ્ટ સુધી કોઈ મોટો ગુનો નોંધાયો નથી. આ સિવાય, ઉનાળામાં ઘરફોડ ચોરીના કેસ નોંધાતા હોય છે
પરંતુ લોકડાઉનના કારણે લોકો ઘરમાં બંધ રહ્યા હોવાથી ચોરીના કિસ્સા પણ ખૂબ ઓછા નોંધાયા હતા. જાે કે, શહેરમાં આકસ્મિત મૃત્યુમાં નજીવો વધારો થયો હતો. શહેરમાં આપઘાતના કિસ્સામાં ૧૩ ટકાનો ઘટાડો થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, લોકો ઘરમાં જ બંધ હોવાથી, પીડિત વ્યક્તિ પાસે આશ્વાસન આપી શકે તેવું હંમેશા કોઈ રહેતુ હતું.