Western Times News

Gujarati News

લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને પેઈન્ટિંગ્સ દ્વારા ગુજરાતનાં પ્રવાસનને જીવંત રાખતા પ્રવાસન નિગમના PR અધિકારી નીકી કથિરીયા

સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની મહામારીને પગલે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેવા સમયે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે સંકળાયેલા નીકી કથિરીયા રાજ્યનાં વિવિધ પ્રવાસન સ્થળોને પેઈન્ટિંગ્સના માધ્યમથી પ્રમોટ કરી રહ્યા છે.
નીકી દ્વારા શરૂ કરાયેલ પેઈન્ટિંગ્સ સિરીઝમાં મહાબત ખાનના મકબરો – જૂનાગઢ, ઈડરિયો ગઢ – ઈડર, ઈંગ્લિશ ટોમ્બ – સુરત વગેરેનો સમાવેશ થાય છે.

Photo : Twitter

નીકી કથીરીયાએ તેમના જન્મસ્થળથી પોતાની પેઈન્ટિંગ્સ સિરીઝની શરૂઆત કરી છે. તેમણે જુનાગઢમાં આવેલ ખુબ જ સુંદર અને ઐતિહાસિક સ્મારક મહાબત ખાનના મકબરાથી કરી હતી. નીકી દ્વારા બીજું પેઈન્ટિંગ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ખાતે આવેલા સુપ્રસિધ્ધ ‘ઈડરિયા ગઢ’નું, ત્રીજું પેઈન્ટિંગ સુરત ખાતે આવેલા ઐતિહાસિક ઈંગ્લિશ ટોમ્બનું અને ત્યાર બાદ પોલો ફોરેસ્ટનું બનાવ્યું છે.  હવે પછીથી પેઈન્ટિંગ્સ શ્રેણીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરાનું સૂર્ય મંદિર, વિશ્વ પ્રસિધ્ઘ કચ્છનું સફેદ રણ અને રણઉત્સવ જેવા સ્થળોનો પણ સામાવેશ કરવામાં આવ્યો છે.

*નીકીના પેઈન્ટિંગની વિશેષતા એ છે કે, તેમના દરેક પેઈન્ટિંગમાં હ્યુમન એલિમેન્ટ જોડાયેલું જ હોય છે તેમજ દરેક પેઈન્ટિંગ્સ સાથે  શ્રી કુણાલ ગઢવી  દ્વારા દરેક સ્થળ માટે  વાર્તા પણ જોડવામાં આવેલ  છે.*
તેઓ લોકડાઉનના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યા છે. નીકી દ્વારા પેઈન્ટિંગ્સ સિરીઝ શરૂ કરવાનો ઉદ્દેશ વધુને વધુ પ્રવાસીઓ ગુજરાત અને ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસન ક્ષેત્રોને જાણે અને માણે. ગુજરાત ટુરિઝમ વિશે નાગરિકો જાગૃત થાય તેમજ ઘર બેઠાં જ સરસ મજાની ટ્રીપ અનુભવી શકે તે માટે મને એક નવીનતમ વિચાર આવ્યો. મેં પેઈન્ટિંગ્સ દોરીને સોશ્યિલ મીડિયાના માધ્યમથી નાગરિકો સમક્ષ મૂક્યા તો તેમના તરફથી મને ખૂબજ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો જેથી મને રાજ્યના અન્ય પ્રવાસન સ્થળોના પેઇન્ટિંગ્સ દોરવા માટે મારા ઉત્સાહમાં વધારો થયો છે તેમ નીકી કથિરીયાએ જણાવ્યું હતું.
નીકી કથિરીયા પોતાના શોખ અંગે જણાવે છે કે, “મને બાળપણથી જ ક્રિએટિવ  ક્ષેત્રમાં કારકિર્દિનું નિર્માણ કરવાનો ખૂબ જ રસ હતો પરિણામે મેં આ ક્ષેત્રને પસંદ કર્યું છે. નીકી કથિરીયાએ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજી (NIFT) માં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.  પેઈન્ટિંગ્સના અને પ્રવાસન ક્ષેત્રમાં રુચિ ધરાવતા અનેક લોકોએ નીકી કથિરીયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ સિરીઝને ખૂબ જ વખાણી છે. આપ પણ આવા સરસ મજાનાં અદભુત પેઈન્ટિંગ્સને માણવા માટે નીકી કથિરીયાને તેમના સોશ્યિલ મીડીયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.