લોકડાઉનના સમયમાં આદિવાસીઓ અને વનવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી કેન્દ્ર સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇસ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ
આદિવાસીઓ અને વનવાસીઓ પાસેથી ગૌણ વન પેદાશો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આર્થિક સલામતી બક્ષે છે આ યોજના
કચ્છ જિલાના ૭૦૦ કુટુંબો પાસેથી ૧.૬૯ કરોડ રૂપિયાનું ૮૭૦ ક્વિન્ટલ મધ ખરીદતું ફોરેસ્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા
PIB Ahmedabad
કોરોના મહામારીને કારણે આખું વિશ્વ પરેશાન છે ત્યારે ભારતમાં પણ આ મહામારીને મ્હાત કરવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને નાગરિકો પ્રયત્નશીલ છે. કોરોનાની મહામારી આગળ વધતી રોકાય એ માટે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે અને એનો કડક અમલ પણ કરાવાઈ રહ્યો છે. આ લોકડાઉનના મૂશ્કેલ સમયમાં લોકોને, ખાસ કરીને ગરીબ લોકોને ખાવા પીવાની મૂશ્કેલી ન પડે, જીવનજરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને નાણાંકીય ભીડ ન અનુભવાય, એ માટે મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ તો આપ્યું જ છે. પણ ગરીબ, આદિવાસી, વિચરતિ જાતિના લોકોને રોજગારી મળી રહે એ માટે મનરેગા જેવી યોજનાઓ વધુ વળતર સાથે ચાલુ કરી છે.
આવી જ એક યોજના છે ભારત સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇઝ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ . જંગલમાં થતી વિવિધ ગૌણ વનપેદાશોના એકત્રીકરણ થકી આદિવાસીઓ તથા વન સાથે સંકળાયેલી જાતિઓના લોકોને રોજગારી થકી આર્થિક સ્વાવલંબન પૂરું પાડવા માટેની આ યોજના દેશમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. આ યોજના એવા રાજ્યોમાં અમલી છે, જ્યાં બંધારણના પાંચમા શેડ્યુલ્સને અનુરૂપ શેડ્યુલ ફોરેસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબ્સનું અસ્તિત્વ હોય. ગૌણ વન પેદાશોમાં મધ, લાખ, મહુઆના બીજ જેવી બાર પેદાશોનો સમાવેશ કરાયો છે, જેના એકત્રીકરણ થકી આદિજાતિ લોકોને લઘુત્તમ ટેકાના ભાવ આપી, એમનું આર્થિક સશક્તીકરણ હાંસલ કરવાનો ઉદ્દેશ છે.
ગુજરાતમાં પણ આ યોજના અમલમાં છે. કોરોના મહામારીને કારણે હાલ દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો પોતાના ઘરમાં છે અને આ મહામારીનો સામનો કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલેપમેન્ટ કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના આદિવાસી અને વિચરતી જાતિના લોકો કચ્છ જિલ્લાના ગાંડા બાવળનાં જંગલોમાં ફરીને ત્યાં પેદા થતાં મધને એકઠું કરી રહ્યા છે. આ મધને ગુજરાત ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લઘુત્તમ સમર્થન મૂલ્યે ખરીદે છે. કચ્છ જિલ્લાના 7 તાલુકાઓનાં 53 ગામોમાંથી ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા 870 ક્વિન્ટલ જેટલું મધ એકત્રિત આવ્યું છે અને તેના પેમેન્ટની ચુકવણી પણ કરવામાં આવી છે.
ફોરેસ્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના મેનેજીંગ ડિરેક્ટર, શ્રી એસ કે ચતુર્વેદીએ પી.આઇ.બી. ના પ્રતિનિધિને જણાવ્યું કે ભારત સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇસ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ અંતર્ગત 1 કરોડ 69 લાખ રૂપિયાનાં આ મધનું કલેક્શન કરવામાં આવ્યું છે જેના લીધે કચ્છ જિલ્લામાં 700 આદિવાસી અને વિચરતી જાતિનાં કુટુંબોને રોજગારી મળી છે. જો આ મધનું કલેક્શન હાલના સમયે ન કરવામાં આવ્યું હોત તો તમામ મધ પેદાશ નિષ્ફળ તો જાત જ પણ આ આદિવાસી અને વિચરતી જાતિઓને ખૂબ મોટું નુકશાન થઇ શકે તેમ હતું એમ શ્રી ચતુર્વેદીએ ઉમેર્યું .
શ્રી એસ કે ચતુર્વેદીએ
મેનેજીંગ ડિરેક્ટર, ફોરેસ્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા
ભારત સરકારની ગ્રાન્ટથી ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત ફોરેસ્ટ કોર્પોરેશન દ્વારા આદિવાસી તથા વનવાસી જાતિના લોકોની આવક વધે એ ધ્યાનમાં રાખી આ લોકો પાસેથી ગૌણ વન પેદાશોનું એકત્રીકરણ કરાવાય છે. ખાસ કરીને કચ્છ જિલ્લાના આ આદિવાસી અને વિચરતી જાતિના લોકો મુખ્યત્વે છૂટક મજુરી તેમજ વન પેદાશો પર પોતાનું ગુજરાન ચલાવે છે. હાલની પરિસ્થિતીમાં છૂટક મજુરી બંધ થતાં તેમના માટે ભારત સરકારની આ સ્કીમ આશીર્વાદરુપ બની છે. આ સ્કીમ થકી મધનાં કલેક્શનના વળતરની ચુકવણી થતાં કપરો સમય પણ સહેલો બન્યો છે.