લોકડાઉનના સમયમાં જરૂરિયાતમંદ લોકોની સેવાના મહાયજ્ઞમાં ન્યાયતંત્રના અધિકારીઓની આહૂતિ
પાટણના જ્યુડિશિયલ ઑફિસર્સ દ્વારા પોતાનો બે દિવસના પગારની રૂ.૧.૪૪ લાખ જેટલી રકમ એકત્ર કરી જીવનજરૂરી ચીજવસ્તુઓની ૨૦૧ કીટોનું વિતરણ
(સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર માહિતી મદદનીશ, પાટણ) લોકડાઉનના સમયમાં ધંધા-રોજગાર બંધ છે ત્યારે છૂટક મજૂરી કરી પેટીયું રળતાં અને જરૂરિયાતમંદ લોકોની દરકાર કરી જિલ્લા વહિવટી તંત્ર અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તેમને રાશનકીટ પૂરી પાડવામાં આવી રહી છે. માનવતાના આ સેવાયજ્ઞમાં ન્યાયતંત્રએ પણ પોતાનું યોગદાન આપતાં ૨૦૧ જેટલી રાશન અને શાકભાજીની કીટનું વિતરણ કર્યું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણના સેક્રેટરી અને જજશ્રી વિશાલ ગઢવી જણાવે છે કે, કોરોના વાયરસ સામેની લડાઈમાં ધારાસભાઓ, એડમિનિસ્ટ્રેશન અને મિડિયા સતત કાર્યરત છે ત્યારે જ્યુડિશિયલ સિસ્ટમ પણ તેમાં જોડાય અને જરૂરિયાતમંદ લોકોને તેમના જીવનનિર્વાહ માટેની ચીજવસ્તુઓ મળી રહે તેવા ઉમદા આશયથી જ્યુડિશિયલ ઑફિસર્સ દ્વારા તેમના પગારનો થોડો હિસ્સો એકત્ર કરી મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસની મહામારી વચ્ચે એકપણ નાગરીક ભુખ્યો ન સૂઈ જાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી રાશન વિતરણની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બંધારણના રક્ષક એવા ન્યાયતંત્રના અધિકારીશ્રીઓએ પણ તેમાં પોતાનું યોગદાન આપ્યું છે. પાટણ ખાતે ફરજ બજાવતા જ્યુડિશિયલ ઑફિસર્સશ્રીઓ દ્વારા પોતાના બે દિવસના પગારની રૂ.૧.૪૪ લાખ જેટલી રકમ એકત્ર કરી જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશના વતની અને પાટણ ખાતે શેરડીનો રસ વેચી ગુજરાન ચલાવનાર કિશન યાદવ કહે છે કે, ઉનાળાની સિઝનમાં શેરડીનો રસ વેચવા ગુજરાત આવ્યા હતા પરંતુ લોકડાઉનના કારણે હાલ ધંધો બંધ છે. કોઈપણ જાતની આવક વગર રસોઈ કરવા વસ્તુઓ કઈ રીતે લાવવી એ મુંઝવણ વચ્ચે મને જજસાહેબશ્રી દ્વારા રાશનકીટ આપવામાં આવી. ધંધો રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી મારી જમવાની ચિંતા હવે ટળી છે.
શહેરીના સ્થાયી જરૂરિયાતમંદ લોકો ઉપરાંત આસપાસના ગામોમાં રહેતા વાદી સમાજના લોકો, પરપ્રાંતમાંથી ધંધાર્થે આવેલા લોકો તથા રેશનકાર્ડ ન ધરાવતા હોય તેવા પરિવારો, ગંગા સ્વરૂપ મહિલાઓ અને દિવ્યાંગોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચોખા, દાળ, તેલ, ઘઉંનો લોટ, ડુંગળી, બટાકા જેવી રોજીંદી જરૂરિયાતની વસ્તુઓની ૨૦૧ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું.
પાટણ જિલ્લા અદાલતના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેરની અંબાબાઈ ધર્મશાળા ખાતે ચાલતા શેલ્ટર હોમની મુલાકાત લઈ તેમાં રહેતા વ્યક્તિઓના બાળકોને દૂધ, બિસ્કીટ અને હળવા નાસ્તા જેવી જરૂરી વસ્તુઓની પણ વ્યવસ્થા કરવામાં આવી. કોરોના વાયરસ સંક્રમણના આ કપરા કાળમાં સામાન્યમાં સામાન્ય માણસની ચિંતા કરી રાજ્ય સરકાર, જિલ્લા વહિવટી તંત્ર અને સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે ન્યાયતંત્રના અધિકારીશ્રીઓએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. આફત સમયમાં એકજૂટ થઈ પરસ્પર મદદ દ્વારા માનવતા ટકાવી રાખતા લોકશાહી દેશની તાકાતનો ખરો પરીચય બીજો શું હોઈ શકે…?