Western Times News

Gujarati News

લોકડાઉનના સમયમાં દેશના 80 કરોડ ગરીબ લોકો માટે સતત બીજા મહિને 5 કિલો ખાદ્યાન્નનું વિતરણ ચાલુ

5 મે સુધીમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 12.39 કરોડ લાભાર્થીઓમાં 6.19 લાખ મટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કર્યું

ગુજરાતમાં બીજા તબક્કા હેઠળ એ.પી.એલ.ના 61 લાખ કુટુંબો તથા અઢી કરોડની વસતીને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળનું વિતરણ કરાશે, 30 લાખ કુટુંબોને વિતરણ સંપન્ન

PIB Ahmedabad,  કોરોના મહામારીમાં દેશના ગરીબી રેખાની નીચે જીવતા લોકો (BPL) અને સાથે સાથે ગરીબીની રેખા ઉપર જીવતા લોકો (APL-1) ને લોકડાઉન દરમ્યાન ખદ્યાન્નની કોઈ મૂશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના 80 કરોડ લોકોને આવરી લઈ સતત ત્રણ મહિના એમને પ્રતિ માસ 5 કિલો અનાજ મળી રહે એ માટે વ્યવસ્થા કરી છે. અને આ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને અનાજ, કઠોળ તથા દાળ આપી રહી છે. એપ્રિલ મહિના માટે દેશના 60.33 કરોડ લાભાર્થીઓમાં 30.16 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કરી દેવાયા બાદ હાલ મે મહિના માટેનું વિતરણ ચાલુ છે. 5 મે, 2020 ના આંકડા મુજબ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 12.39 કરોડ લાભાર્થીઓમાં 6.19 લાખ મટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કર્યું છે.

ગુજરાત સરકારે પણ મે મહિના માટે બી.પી.એલ. અને એ.પી.એલ. પરિવારોને અનાજ વિતરણ કર્યું છે. એ.પી.એલ.માં સમાવિષ્ટ મધ્યમવર્ગીય પરિવારના સભ્યોને લોકડાઉન તથા કોરોનાની આ મહામારીમાં અનાજની કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે હેતુસર ગુજરાત સરકારે સસ્તા અનાજની દુકાનોએથી બીજીવાર વિનામૂલ્યે રાશન વિતરણની વ્યવસ્થા કરી.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર રાજ્યના APL-1માં સમાવિષ્ટ 61 લાખ કુટુંબો તથા 2.5 કરોડની વસતીને એપ્રિલ માસમાં વિનામૂલ્યે રાશન આપ્યા બાદ મે મહિનામાં પણ મધ્યમવર્ગીય આ APLકાર્ડધારક 61 લાખ કુટુંબોને નિ:શૂલ્ક રાશન આપવાની વ્યવસ્થા કરાઇ છે. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે સાતમી મૅના રોજથી શરુ થયેલી આ વિતરણ વ્યસ્થા અમદાવાદ શહેર સિવાય રાજ્યભરમાં સુચારુ રૂપે અમલી બની છે. આ કામગીરી હેઠળ 30 લાખ કુટુંબોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ અપાઈ છે.

ગંગાબેન વણકર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ યોજનાનો લાભ લઈ લોકો ખૂશ છે. અમારા પી.આઇ.બી. ના પ્રતિનિધિને વડોદરા જિલ્લાના વઘોડિયા તાલુકાના માડોધર ગામના રહેવાસી ગંગાબેન વણકરે જણાવ્યું કે લોકડાઉનના સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ આવક નથી, ત્યારે જ સરકાર તરફથી મળવાપાત્ર અનાજ મળતાં આ મૂશ્કેલ સમયમાં ઘણી રાહત થઈ છે.

લાભાર્થી રજનીકાંતભાઈ તો કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના દરજી ગામના લાભાર્થી રજનીકાંતભાઈએ મફત અન્ન વિતરણને ખરા સમયે મળેલી મદદ ગણાવીને આ અંગે ખુશી વ્યક્ત કરતાં સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. એમણે ઉમેર્યું કે સરકાર તરફથી ઘઉં, ચોખા, ખાંડ અને દાળ સહિતનું અનાજ મળવાથી એમને અને એમના પરિવારજનોને ખૂબ રાહત થઇ છે.

શ્રી શામળદાસ તુરી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વણોતી ગામના શામળદાસ તુરીએ પી.આઇ.બી. ના પ્રતિનિધિને જણાવ્યું કે અમને એ વાતની ખુશી છે કે તેમના પરિવારના સભ્યોના ખોરાકની ચિંતા સરકાર કરી રહી છે. અને હાલના આ કપરા દિવસોમાં સરકાર તેમની સાથે છે. અત્યારે ધંધારોજગાર બંધ છે અને પરિવારના સભ્યોને શું ખવડાવવું તે પ્રશ્ન હતો, ત્યારે જ સરકાર તરફથી રાશન મળતાં ભગવાન મળ્યા હોય એવું લાગ્યું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના સુખી-સંપન્ન લોકોને પોતાને મળવાપાત્ર વિનામૂલ્યે રાશનનો હિસ્સો જેમને જરૂર છે તેવા પરિવારોની તરફેણમાં સ્વૈચ્છીકપણે જતો કરવાની ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કરેલી અપીલને આ વર્ગમાં આવતા પરિવરોએ સહર્ષ વધાવી હતી અને લગભગ 30% જેટલા કુટુંબોએ તેમનો હિસ્સો જતો કર્યો છે. આ અપીલને આ મહિને પણ ઘણા પરિવારોએ સ્વીકારી છે અને તેનો વ્યાપક અને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જેના લીધે જરૂરિયાત ધરાવતા કુટુંબો સસ્તા અનાજની દુકાનોમાંથી પૂરતું સોશિયલ ડિસ્ટન્ટીંગ જાળવીને તેમનું રાશન પ્રાપ્ત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.