લોકડાઉનની આશંકાને લઇ નાગરિકોની મોલ તેમજ શાક માર્કેટ તરફ દોટ
ગાંધીનગર: રાજ્યમાં વિકરાળ રૂપ લઈ રહેલા કોરોનાવાયરસ પર અંકુશ લગાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. ત્યારે હવે વેપારી, મેડિકલ એસોસિયેશન તેમજ હાઈકોર્ટ દ્વારા રાજ્ય પર કર્ફ્યૂ તેમજ લોકડાઉન લાદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. એવી ચર્ચા ચાલી છે કે ગુરુવાર રાત્રે ૯ વાગ્યાથી સોમવારે સવાર ૬ વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોમાં સૌથી મોટી ચિંતા લોકડાઉનમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે એની હોય છે, સાથે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાં શહેરોમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો ખરીદી કરવા માટે મોલ તેમજ શાક માર્કેટ સહિતમાં લાઈનો લગાવીને ઊભા રહેલા નજરે પડયા હતાં
ગત વર્ષે અચાનક જ લોકડાઉન જાહેર કરાતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ વર્ષે લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભરબપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતાં. લોકોમાં લોકડાઉનને લઈને ડર છે, જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી હતી. શાક માર્કેટમાં પણ લોકો શાકની એકસાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા હતાં.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માધુપુરા અને કાલુપુરનાં બજારમાં કરિયાણા અને શાકભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતાં, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલ અને શાક માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલમાં લોકો ૩૦-૪૦ મિનિટ સુધી બહાર લાઈનમાં ઊભા રહીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઊભા રહ્યાં લોકોમાં ગત વર્ષ જેવું લોકડાઉન આવવાની બીક છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે ર્નિણય કરવામાં આવે એ બાદ બજારમાં હજુ પણ ખરીદી માટેની વધવાની શક્યતા છે.
સવારથી ચાલી રહેલી લોકડાઉનની સંભાવનાને પગલે અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ વડોદરાના રહેવાસીઓ કપડાં, કરિયાણું સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે મોલ તેમજ અન્ય બજારોમાં એકઠા થઈ ગયા હતાં મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઊડતા જાેવા મળ્યા હતાં પહેલાંથી જ રાજ્યમાં દૈનિક ૩ હજારની આસપાસ નવા કેસ નોંધાય છે, તો જાે આ જ રીતે ભીડ એકઠી થશે તો સંક્રમણનું પ્રમાણ બમણું થઈ શકે છે. જાે કે રાજય સરકારે જણાવ્યું હતું કે નાગરિકોએ ગભરાવવાની જરર નથી અને સંગ્રાહખોરી કરવી નહીં.