Western Times News

Gujarati News

લોકડાઉનમાં નુકસાન થતાં વેપારી બૂટલેગર બની ગયો

પ્રતિકાત્મક

સુરત: સરથાણા વિસ્તારમાં તૈયાર કપડા વેચવાની દુકાનમાંથી દારૂનું વેચાણ કરનાર વેપારીની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે લાગુ લોકડાઉનના કારણે કાપડના વેપારીને ભારે નુકસાન થતાં તેણે બુટલેગિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ ગેરકાયદેસર વેપારને વેગ આપવા માટે વેપારીએ તેના રેગ્યુલર કસ્ટમર્સના ત્યાં દારૂની બોટલની હોમ ડિલિવરી કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસે ભગવતી શોપિંગ સેન્ટરમાંથી ૩૦ વર્ષીય કલ્પેશ મકવાણા અને ૨૭ વર્ષીય ઘનશ્યામ શિયાલની ધરપકડ કરી છે કે જેમણે ત્યાં પહેલા માળે આ પ્રતિબંધિત માલ ભરી રાખ્યો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૬૩ બોટલ (કિંમત રૂપિયા ૨૯,૮૮૦) જપ્ત કરી છે. પોલીસે બાપુ નામના એક શખસની પણ અટકાયત કરી છે જે આરોપીઓને દારૂ પહોંચાડતો હતો અને તેની ધરપકડ થવાની હજુ બાકી છે.

પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૮થી કલ્પેશ મકવાણા સાડી અને ઝભ્ભાનું ઓનલાઈન વેચાણ કરતો હતો, તે ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી કપડાની આ પ્રોડક્ટ વેચતો હતો. તેનું મહિને રૂપિયા ૫૦,૦૦૦નું ટર્નઓવર હતું પણ લોકડાઉનમાં તેનો આ બિઝનેસ પડી ભાંગ્યો હતો. આખરે તેણે મિત્રની સાથે મળીને દારૂ વેચવાનું શરૂ કર્યું હતું.

જ્યારે ઘનશ્યામ શિયાલની સરથાણામાં તૈયાર કપડાનું વેચાણ કરતી દુકાન હતી અને તેનું મહિને રૂપિયા ૬૦,૦૦૦નું ટર્નઓવર હતું. પણ, લોકડાઉનમાં તેણે પોતાનો આ બિઝનેસ બંધ કરવો પડ્યો અને પછી તેણે દારૂ વેચવાનું શરૂ કર્યું હતું. કલ્પેશ અને ઘનશ્યામ સાથે મળીને રૂપિયા ૧૦૦૦ની એક એવી ૬ બોટલ વેચતા હતા.

આ રીતે સરળતાથી પૈસા કમાવવાનું શરૂ થતાં તેમણે આ ગેરકાયદેસર ધંધો ચાલુ રાખ્યો હતો. તેઓ વોટ્‌સએપથી ઓર્ડર લઈને ગ્રાહકને દારૂની બોટલ સપ્લાય કરતા હતા, તેઓ માત્ર પરિચિત કસ્ટમર્સનો જ ફોન ઉપાડતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.