Western Times News

Gujarati News

લોકડાઉનમાં પતિની બીજી પત્ની હોવાનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ: તાજેતરમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન આવ્યું ત્યારે ઘરેલુ હિંસાના કિસ્સામાં વધારો થયો હતો. લૉકડાઉન ખુલ્યા બાદ પણ આવા જ કંઈક હાલ જોવા મળી રહ્યા છે. શહેરના પોલીસ સ્ટેશનમાં એવી પતિ પત્નીની કહાની સામે આવી જે સાંભળી પોલીસની પણ આંખો ચાર થઈ ગઈ હતી. લૉકડાઉનમાં પત્નીથી છૂપાઈને પ્રેમિકા સાથે ધરાઈને વાતો કરનાર પતિ હવે પત્નીની ઝપેટમાં આવી ગયો છે. પત્નીએ પતિનો ફોન તપાસતા આ ભાંડો ફૂટ્યો અને આખરે પતિ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી ૩૬ વર્ષીય યુવતી ત્રણ માસથી પિયરમાં માતા, પિતા અને પુત્ર સાથે રહે છે. વર્ષ ૨૦૦૬ માં આ મહિલાના લગ્ન સરસપુર પોલીસ ચોકી પાસે રહેતા એક યુવક સાથે થયા હતા. શરૂઆતમાં આ મહિલાને તેના સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ તાજેતરમાં આવેલા લૉકડાઉનમાં આ મહિલાને તેના પતિએ સતાવવાની શરૂ કરી હતી.

લોકડાઉનમાં આ મહિલાનો પતિ તેનાથી સંતાઈને ફોન પર વાતો કરતો હતો. આ બાબતે તે પૂછતી તો પતિ કઈ જવાબ આપતો ન હતો. જેથી આ મહિલા જાસૂસ બની ગઈ અને તેણે પતિના ફોનમાં જોયું તો તે કોઈ જ્ઞાની નામની યુવતી સાથે વાતો કરતો હોવાનું ચેટમાં મળી આવ્યું હતું. જેથી મહિલાએ આ જ્ઞાની નામની યુવતી વિશે પૂછતાં પતિએ તેની સાથે લગ્ન કરી લીધા હોવાનું કહ્યું હતું.

બાદમાં ઝગડો કરી આ મહિલાને પિયર તગેડી મૂકી હતી. મહિલાને બીમારીના પૈસા પણ પતિએ આપવાના બંધ કરી દીધા અને જ્યારે તે ગણેશ વિસર્જનનાં દિવસોમાં તે પિયરથી સાસરે પરત આવી ત્યારે સાસુ સસરાએ આ મહિલાને કાઢી મૂકી. તેના પતિને જ્ઞાની સાથે રહેવા મોકલી આપ્યો હોવાનું જણાવ્યું હતું. આખરે કંટાળીને મહિલાએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.