લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો
અમદાવાદ, સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ડોકટરો, નર્સો, પેરામેડીકલનો સ્ટાફ તેમજ પોલિસના જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે. અમદાવાદમાં કેટલીક એન.જી.ઓ. સંસ્થા દ્વારા તેમના માટે પાણી, ફ્રુટ, તેમજ ફૂડ પેકેટોની દરરોજ વ્યવસ્થા કરાઈ રહી છે.
છેલ્લા દસ દિવસથી સતત ફરજ બજાવતા પોલિસના જવાનોનો જુસ્સો વધારવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સી. એમ. ડેશ બોર્ડના માધ્યમથી લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમજ તેમના કામની સરાહના કરી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉનની પરિસ્થિતિની સમિક્ષા પણ કરી હતી અને લોકડાઉનનો અમલ ચુસ્ત પણે થાય અને લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓથી વંચીત ન રહે તેની તકેદારી રાખવા પગલાં લેવા માટે સુચનો પણ કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરસીંગ દ્વારા ડ્રોન દ્વારા લેવાયેલા વિડીયો પણ નિહાળ્યા હતા.