લોકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં 97 લોકોએ જીવ ગુમાવ્યો, રાજ્યસભામાં સરકારે આપ્યો જવાબ
નવી દિલ્હી, લોકડાઉન દરમિયાન કેટલા પ્રવાસી મજુરોના મોત થયાં તેનો સરકાર પાસે કોઈ ડેટા ઉપલબ્ધ નહી હોવા નો કેન્દ્ર સરકાર તરફથી જવાબ મળ્યો ત્યારે મોટા પ્રમાણમાં હંગામો મચી ગયો હતો. જે બાદ શુક્રવારે રાજ્યસભામાં સરકારને ફરી એકવાર આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, લોકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં કેટલા લોકોના મોત થયા હતા. જેના જવાબમાં સરકારે કહ્યું કે, 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોના શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં જીવ ગુમાવ્યો છે.
TMCના સાંસદ ડેરેક ઓ’બ્રાયન દ્વારા રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રેલવેમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ 97 મૃત્યુમાંથી 87 મૃતદેહોને રાજ્ય પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. સંબંધિત રાજ્ય પોલીસ તરફથી અત્યાર સુધીમાં 51 પોસ્ટમોર્ટમના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ મોત હૃદયરોગ, બ્રેઈન હેમરેજ, કાર્ડિયાક એરેસ્ટ, ફેફસાં અને યકૃત સંબંધિત રોગના કારણે થયાં છે.
આ પહેલ મે માસમાં 80 શ્રમિક મજુરોના મોતના અહેવાલ સામે આવ્યા હતા. રેલવે પ્રોટેક્શન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 9 મેથી 27 મે વચ્ચે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં 80 લોકોના મોત થયાં હતા. ઉલ્લેકનિય છે કે, કોરોના વાયરસ સંકટ બાદ દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન પરપ્રાંતિય મજૂરો ખૂબ પ્રભાવિત થયા હતા. લાખો પરપ્રાંતિય મજૂરો વતન પરત જવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ઘણા મજુરોના મોત થયાના અહેવાલો પણ સામે આવ્યા હતા. આ મુદ્દે સંસદમાં સોમવારે સવાલ પૂછવામાં આવ્યો હતો કે, લોકડાઉન દરમિયાન હજારો મજૂરો મરી ગયા છે, શું સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા છે કે કેમ? તેના પર સરકારે જવાબ આપ્યો કે તેમની પાસે આવા કોઈ જ પ્રકારના ડેટા ઉપલબ્ધ નથી. જે બાદ ભારે હંગામો થયો હતો.