લોકડાઉન વખતના કેસમાં હવે કાર્યવાહી નહીં કરવાના આદેશ
વડોદરા: રાજ્ય સરકાર પણ લોકડાઉન દરમિયાન કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલા ગુના પડતા મૂકવાનો અંદેશો આપી ચૂકી છે, ત્યારે વડોદરામાં જૂન મહિનાથી જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને આવા કેસોમાં વધુ કાર્યવાહી ના કરવા માટે જણાવી દેવાયું હતું. ૨૨ જૂનના રોજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ દ્વારા એક સર્ક્યુલર કરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને જણાવાયું હતું કે આ મામલે પોલીસ દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટની નોંધ ના લેવી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમઆર મેંગડેએ કલમ ૧૯૫(૧)નો હવાલો આપતા જણાવ્યું હતું કે કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ નોંધાયેલી ફરિયાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજિસ્ટર થવી જોઈએ.
ત્યારબાદ જો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પરવાનગી આપે તો જ પોલીસ આ મામલે એફઆઈઆર કરી શકે. જો આ પ્રક્રિયાનું પાલન ના થયું હોય તો કોર્ટો આવા કેસમાં પોલીસે ફાઈલ કરેલી ચાર્જશીટની નોંધ ના લે. કોર્ટોનો સમય ના વેડફાય તે માટે તેમને આ પ્રકારની ચાર્જશીટ ધ્યાને ના લેવા માટે કહેવામાં આવ્યું હતું. તાજેતરમાં જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલી ત્રણ ફરિયાદો પહેલી જ સુનાવણીમાં ડિસમિસ કરી દેવાઈ હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં કોર્ટે કલમ ૧૯૫નો હવાલો આપી લોકડાઉનના ભંગની કલમ ૧૮૮ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લેવાનો ઈનકાર કરી ફરિયાદને ડિસમિસ કરી દીધી હતી.
સામાન્ય રીતે સરકારી કર્મચારીને તેમની ફરજ અદા કરવામાં વિક્ષેપ ઉભો કરવો, સરકારી અધિકારી દ્વારા અપાયેલા કોઈ આદેશ કે જાહેરનામાનો ભંગ કરવા જેવા ગુનામાં આઈપીસીની કલમ ૧૭૨થી ૧૮૮ હેઠળ પોલીસ ફરિયાદ નોંધતી હોય છે. માત્ર વડોદરા શહેરમાં જ ૨૫ માર્ચથી ૩૧ મેના ગાળામાં ૧૧,૫૩૪ લોકો સામે આ પ્રકારના કુલ ૮,૭૨૬ ગુના નોંધવામાં આવ્યા હતા. પોલીસે આ ગુના લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા બદલ નોંધ્યા હતા. મોટાભાગના આરોપી લોકડાઉન દરમિયાન વગર કારણે ઘરની બહાર ફરતા ઝડપાયા હતા.