લોકડાઉન હોવા છતાં રાજ્યમાંથી કુલ ૪,૯૩૭ ટુ-વ્હીલર ચોરાયા
અમદાવાદ, ગુજરાતમાં વર્ષ ૨૦૨૦ના વર્ષમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાયું હોવા છતાં ૪,૯૩૭ જેટલી મોટી સંખ્યામાં બાઈક ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ આંકડો આપ્યો હતો.
સૌથી વધારે બાઈક અમદાવાદ શહેરમાંથી ચોરાઈ હતી, જેની સંખ્યા ૧,૧૫૮ હતી. કુલ ૪,૯૩૭માંથી ૨,૩૫૪ બાઈક પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ દ્વારા ઓક્ટોબર, ૨૦૨૧ની સ્થિતિએ વર્ષ ૨૦૨૦માં કેટલી બાઈકની ચોરી થઈ અને તેમાંથી કેટલી શોધી કાઢવામાં આવી તે અંગેનો સવાલ કર્યો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે માહિતી આપી હતી, જેમાં અમદાવાદમાં સૌથી વધુ અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી છ બાઈકની ચોરી થઈ હોવાનું કહ્યું હતું. ૨,૫૮૩ બાઈક શોધવાની હજી બાકી છે.
ટુ-વ્હીલરની ચોરી કરતી ગેંગ પર ચાંપતી નજર રાખવા માટે જિલ્લાઓમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવે છે. આ સિવાય ચોરીના માલની લે-વેચ કરતી ટોળકી પર પણ વોચ રખાતી હોવાનું ગૃહ વિભાગે જણાવ્યું હતું.
બાઈકની ચોરીના સૌથી વધુ કિસ્સા અમદાવાદ બાદ સુરતમાં બન્યા હતા, જ્યાંથી ૭૦૨ બાઈક ચોરાઈ હતી. તો વડોદરામાંથી ૩૧૭, રાજકોટમાંથી ૧૮૮, અમદાવાદ ગ્રામ્યમાંથી ૬૭, ખેડામાંથી ૩૭, આણંદમાંથી ૬૪, ગાંધીનગરમાંથી ૮૮, સાબરકાંઠામાંથી ૧૧૯, મહેસાણામાંથી ૯૨, સુરેન્દ્રનગરમાંથી ૬૧, પાટણમાંથી ૮૯, ભાવનગરમાંથી ૧૯૫, વડોદરા ગ્રામ્યમાંથી ૧૧૨, ભરૂચમાંથી ૧૯૯, દાહોદમાંથી ૧૮૦, ડાંગમાંથી ૬ અને પશ્ચિમ રેલવે અમદાવાદમાંથી ૧૬ બાઈકની ચોરી થઈ હતી.
થોડા દિવસ પહેલા વિધાનસભામાં રાજ્ય સરકારે અમદાવાદ પોલીસે છેલ્લા બે વર્ષમાં ૮૩,૮૮૪ વાહનો જપ્ત કર્યા હોવાની માહિતી આપી હતી. જેમાંથી ૬,૫૪૧ હજી સુધી કોઈ છોડાવવા નથી આવ્યું. ૨૦૨૦ અને ૨૦૨૧માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ ૧૦૯ વાહનો જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા વાહનોના માલિકો પાસેથી ૧૧.૦૨ કરોડ રુપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ૨૦૨૧માં પોલીસે ૨૦,૮૯૧ વાહનો જપ્ત કર્યા હતાં, જેમાંથી ૨,૫૦૭ વાહનો હજુય કોઈ છોડાવવા નથી આવ્યું.SSS