લોકપ્રિય થવું છે?….પોતાના હાથનો જ ખેલ છે
આજનાં યુગમાં બાળક જન્મ ધારણ કર્યાં બાદ બે કે ત્રણ વર્ષથી જ લોકોનું ધ્યાન પોતાનાં તરફ ખેંચવાનો પ્રયત્ન કરતો હોય છે. લોકો તેની વાતો કરે તો તેને બહું જ ગમે છે. બહુમતિ લોકો લોકપ્રિય થવા માટે પ્રયત્ન કરતાં જ હોય છે. સમાજમાં પોતાની વાહ વાહ કરાવવા કોઇ ને કોઇ રસ્તો શોધતાં રહેતા હોય છે. અમુક માનવી લોકોમાં પોતાની વાહ વાહ કરાવવા પૈસાનો ધૂમાડો કરતાં હોય છે તથા Press conference બોલાવીને અખબાર કે T. V.. માં જાહેર કરાવતા હોય છે જેથી લોકપ્રિય થવાને બદલે લોકોની નજરમાંથી તેઓ ઉતરી જાય છે.
બાળક કે બુઝુર્ગ, સ્ત્રી કે પુરુષ, ગરીબ કે તવંગર, કલાકાર કે ખેલાડી, નેતા હોય કે અભિનેતા, શ્રાવક કે ધર્મગુરૂ લોકપ્રિય બનવાના પ્રયત્નમાંથી કોઇ બાકાત રહી શકતું નથી. અખબર, સામાયિક, T. V. માં પોતાનું નામ કે ફોટા આવે તો તેઓનાં દિલમાં અનેરી ખુશી વ્યાપી જાય છે.
લોકપ્રિય થવું એ એટલું સરળ નથી પરંતુ આ જમાનામાં એટલું અઘરું પણ નથી. લોકપ્રિય થવાની ઘણી ચાવીઓ છે પરંતુ કોણે, ક્યારે, કઇ તથા કેવી રીતે ચાવીનો ઉપયોગ કરવો તેમાં જ હોશિયારી રહેલી છે. લોકપ્રિય થવાની શક્તિ દરેક માનવીનાં હાથની જ વાત છે. પરંતુ લોકો તે શક્તિને પારખી શકતાં નથી જેથી લોકો પોતાનું જીવન સામાન્ય જીવનની જેમ વીતાવતા હોય છે.
માનવી વિનમ્ર બનીને લોકો જાેડે હળી મળીને રહે તથા વિવેક સાચવીને લોકો જાેડે સંબંધ જાળવી રાખે તો લોકો પણ તેની જાેડે તેવો જ પ્રતિભાવ આપશે તથા લોકો તેને માનની નજરે જાેશે અને સંબંધ જાળવી રાખશે.
પરંતુ જ્યારે માનવી અસભ્યતા દાખવી, કર્કશ વાણી વાપરી, જાેહુકમી બીજા પર કરે અથવા મહેણા ટોણા સંભળાવીને તથા આખાબોલા બનીને લોકોને દુભાવે તો લોકો તેવી વ્યક્તિથી દૂર જ રહેવામાં રાજી રહેશે. ‘જે નમે એ લોકોને ગમે’ આ લોકોક્તિને અનુરૂપ માનવીને બધેથી સહકાર મળતો હોય છે. જે વેપારી વ્યવહારમાં વિવેકી તથા નિરાભિમાની હશે તેના વેપારમાં પણ બરકત વધશે.
ઉધ્ધતાઈ બતાવનાર વ્યક્તિની કિમંત કોડીની પણ રહેતી નથી પછી ભલેને તે કરોડપતિ હોય. વિવેક તથા નમ્રતાઅ માનવ સ્વભાવનું એક આભૂષણ ગણાય છે.
ઈર્ષ્યા કે દ્વેષભાવ એક બહું જ અધમ વૃતિ છે જેથી પોતે મનથી અંદર ને અંદર જ બળીને ખાખ થઇ જાય છે. ઇર્ષ્યાવૃતિ, અભિમાન તથા અદેખાઇ અને સ્વાર્થવૃતિને પણ જન્મ આપે છે તથા વેરવૃતિને નોતરે છે જેથી તેવી વ્યક્તિ લોકોમાં અપ્રિય બની જાય છે.
સંતોષી બની રહેવામાં અદેખાઈ કે ઈર્ષ્યાનો બહિષ્કાર થતાં લોકો જાેડે તે પ્રેમથી રહી શકે છે તથા બીજાની પ્રગતિ જાેઇને દુઃખી નથી બનતો અને બીજાનાં સુખમાં રાજી રહેવાથી સંબંધમાં કડવાશ ઉભરાતી નથી. ઈર્ષ્યાળુ માનવી અંદર ને અંદર જીવ બાળતા બીજા જાેડે દુવ્યવહાર કરતા અચકાતા નથી.
બીજાને કાનભંભેરણી કરીને પોતાનો અહમ્ રાખનાર વ્યક્તિથી લોકો દૂર જ ભાગતા હોય છે. કોઇનું ભલું થતું હોય તો કરવું પરંતુ ન થતું હોય તો કોઇનું બગાડવું તો ન જ જાેઈએ. લોકસેવા નિસ્વાર્થપણે કરવાથી લોકપ્રિય બની શકાય છે.
અડોશપડોશ, નોકરીમાં સહકર્મચારી કે ધંધામાં વેપારી જાેડે સારો વ્યવહાર રાખવાથી લોકો તેની હાજરીને આવકારશે. અમુક લોકો બીજી વ્યક્તિ થકી પોતાનું ધાર્યું કામ ન થતાં તેની જાેડે સંબંધમાં ઓટ લાવી દેતા અચકાતા નથી. અલબત્ત અમુક વખત પોતાનાથી પણ પોતાની ધારેલી વસ્તુ થતી નથી તો કેવી રીતે બીજા પાસેથી અપેક્ષા રાખી શકાય.
માનવીએ બીજા જાેડે સંબંધ બનાવીને જાળવવાની આવડત રખાતા સંબંધી વર્ગ વધશે જેથી લોકપ્રિયતા વધશે અને સમાજમાં તેની ઇજ્જત તથા માન પણ વધશે. બીજાઓને પણ તેઓનું મહત્વ અપાતા લોકો તેને માનની નજરે જાેશે. અમુક લોકો પોતે સ્વભાવે દંભી હોવાથી કાર્યમાં સફળતા મેળવવામાં પોતાનો જ જશ છે તેવું માનીને પોતાનો અહમ્ પોષતા હોય છે. તેઓ એમ જ માનતા હોય છે પોતાના વગર બીજા કોઇ તે કામ કરી જ ન શકે તે નરી મૂર્ખતા જ ગણાય છે. બીજાઓની મહત્તાની પણ કિમંત આંકતા અચકાવું ન જાેઇએ.
કહે શ્રેણુ આજ
બની જાઓ લોકપ્રિય લોકોનું કલ્યાણ કરીને, દાન આપીને, દયા બતાવીને,
બની જાઓ લોકપ્રિય પોતાની કળા, અદાકારી તથા નેતાગીરી લોકોને બતાવીને.
કરશે લોકો અભિવાદન, બનશે લોકપ્રિય તું, તુજ સત્કાર્ય બીરદાવીને,
કરશે યાદ લોક તુજને જીવનભર, નિઃસ્વાર્થપણે લોકોનું કલ્યાણ કરીને.
લોકોમાં પ્રિય થવા માટે પોતાની સાદી રહેણી-કરણી, સારો પહેરવેશ, સ્વચ્છતા, શિષ્ટાચાર તથા સૌમ્ય સ્વભાવ, હસતો ચહેરો અને લોકોને સાંભળવાની તૈયારી પણ રાખવી પડે છે. બીજાઓમાં પણ રસ લેવાથી સામેવાળી વ્યક્તિને પોતાની વ્યક્તિ જેવું લાગશે. વાણીમાં પણ સંયમ રાખવાથી ન બોલવાના વેણ નહિ બોલાય જેથી બીજા જાેડે સંબંધ બગડવાનો સંજાેગ જ આવતો નથી.
લોકપ્રિય થવા માટે પોતાના વિચારો લોકો પર દબાણ ન કરતા મુદ્દાસર સમજાવવાથી લોકો પ્રેમથીતેના વિચારો આવકારે છે. આજકાલ અમુક નેતા લોકોને વિવિધ લાલચો આપીને પોતાના ભાષણો સંભળાવવા સભામાં શ્રોતાઓની હાજરી વધારીને લોકપ્રિયતા મેળવવા પ્રયત્નો કરતાં હોય છે પરંતુ પોતે મનમાં જાણતા જ હોય છે કે લોકપ્રિય થવાની આ ચાવી ખોટી છે. પોતાના ક્ષેત્રમાં બીરદાવા લાયક કાર્ય કરવાથી લોકોમાં કલાકાર, ખેલાડી, નેતા તથા ગુરૂ બની શકાય છે.
‘‘Just Smile and you Win Half the Game, બાકીનું પોતાનું કામ જીત પાર પાડવામાં મદદરૂપ બની રહેશે.’