લોકરમાંથી જ્વેલરી ગુમાવનારા દંપતીને ૧૯.૫૦ લાખનું વળતર ચુકવવા આદેશ
અમદાવાદના એક દંપતીએ ગાંધીનગરમાં બેન્કઓફ બરોડાની બ્રાન્ચમાં લોકરમાં જ્વેલરી રાખી હતી, બેન્ક ઓફ બરોડાએ વળતર ચુકવવું પડશે
અમદાવાદ, કોઈ પણ ગ્રાહક જ્યારે બેન્કના લોકરમાં પોતાના લાખો રૂપિયાના ઘરેણા અને મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ રાખે ત્યારે તે સુરક્ષાની લાગણી અનુભવતો હોય છે, પરંતુ ક્યારેક આ ભરોસો ભારે પડી શકે છે. અમદાવાદના એક દંપતીએ ગાંધીનગરમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં લોકરમાં જ્વેલરી રાખી હતી, પરંતુ બેન્કની બેદરકારીના કારણે દંપતીએ જ્વેલરી ગુમાવવાનો વારો આવ્યો. એટલું જ નહીં, તેમના લોકરનો ઉપયોગ કોઈ બીજી વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હતો.
ગાંધીનગર જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે રાણીપના વતની ગૌતમ સોલંકી અને તેમના પત્ની રેણુકાને વળતર તરીકે રૂ. ૧૯.૫૦ લાખ ચુકવવા બેન્ક ઓફ બરોડાને આદેશ આપ્યો છે. સોલંકી દંપતી ૧૯૯૩થી બેન્ક ઓફ બરોડામાં ગાંધીનગરની વિધાનસભા બ્રાન્ચમાં લોકર ધરાવતું હતું. ૧૩ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ તેઓ ઘરેણા ઉપાડવા માટે બેન્કમાં ગયા ત્યારે તેમની ચાવીથી લોકર ખુલી ન શક્યું. ૧ નવેમ્બર ૨૦૧૪ના રોજ એક ટેકનિશિયનને બોલાવવામાં આવ્યો અને સોલંકી દંપતીની હાજરીમાં લોકર તોડવામાં આવ્યું.
પરંતુ તે લોકરમાંથી સોલંકી પરિવારના બદલે બીજી કોઈ વ્યક્તિના ઘરેણા નીકળ્યા. આ ઉપરાંત લોકરમાંથી અમેરિકન ડોલરની ચલણી નોટ્સ પણ મળી જે સોલંકી દંપતીની ન હતી. તેમને સમજાઈ ગયું કે તેમના ઘરેણા ચોરાઈ ગયા છે અને લોકરનો ઉપયોગ બીજી કોઈ વ્યક્તિ કરે છે.જાન્યુઆરી ૨૦૧૫માં બેન્કે લોકરમાં જે વ્યક્તિના ઘરેણા હતા તેનું નામ સોલંકી દંપતીને આપ્યું. બેન્કે કહ્યું કે તેમણે ભૂલથી થર્ડ પાર્ટીને લોકર આપી દીધું હતું.
બેન્કે ગૌતમ અને રેણુકા સોલંકીને તેમની જ્વેલરી ગુમાવવાના આંચકાના કારણે ગૌતમ સોલંકીને હાર્ટ એટેક પણ આવ્યો હતો તેમ ગ્રાહક પંચને જણાવવામાં આવ્યું હતું.આ કેસ સાંભળ્યા પછી ગ્રાહક પંચે કહ્યું કે બેન્ક દ્વારા ફરિયાદીના ઘરેણાની “લૂંટ ચલાવાઈ” છે. આ રીતે કોઈ પણ લોકર બદલી ન શકાય કે બીજી વ્યક્તિને આપી ન શકાય. તેથી બેન્કે બેદરકારી દાખવીને ગ્રાહકના વિશ્વાસનો ભંગ કર્યો છે અને પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહી છે.
કન્ઝ્યુમર પેનલે સોલંકી દંપતીને ઘરેણાના ૧૮ લાખ રૂપિયા વત્તા નવેમ્બર ૨૦૧૪થી અત્યાર સુધી ૭ ટકા લેખે ૧.૫૦ લાખના વ્યાજ સહિત કુલ ૧૯.૫૦ લાખનું વળતર ચુકવવા બેન્કને આદેશ આપ્યો છે. ગ્રાહક પંચે કહ્યું કે ફરિયાદી દંપતીની તકલીફને બેન્કે બહુ હળવાશથી લીધી હતી. આ ઘટનાની પોલીસ દ્વારા અથવા સિનિયર બેન્ક અધિકારી દ્વારા તપાસ કરવાની જરૂર હતી, પરંતુ આમ થયું ન હતું. તેથી આ ઘટના માટે બેન્ક જ સંપૂર્ણપણે જવાબદાર હતી.SS2KP