લોકલ ટ્રેનોમાં માત્ર વેક્સિનેટેડ લોકોને જ એન્ટ્રી આપવાના ર્નિણયથી હાઇકોર્ટ નારાજ
મુંબઇ, બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારનો ૨૦૨૧નો આદેશ માત્ર એવા લોકોને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપતો જેનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે તે “ગેરકાયદેસર” છે. કોર્ટની ટિપ્પણી અને નિર્દેશ પછી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર ૩ દિવસમાં નવા નિયમની જાહેરાત કરશે, ત્યાં સુધી સુનાવણી સ્થગિત કરવી જાેઈએ. આ દલીલ સ્વીકારીને કોર્ટે કેસની આગામી સુનાવણી માટે ૨૬ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ.એસ. કાર્ણિકની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે સરકારના તત્કાલિન મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા હસ્તાક્ષર કરાયેલા ત્રણ આદેશો આપત્તિ વ્યવસ્થાપન નિયમો હેઠળ નિર્ધારિત પ્રક્રિયાથી સ્પષ્ટ રીતે અલગ હતા. કોર્ટે એમ પણ કહ્યું કે આ આદેશ સ્પષ્ટપણે નાગરિકોના મૂળભૂત અધિકારોને અસર કરે છે.
મહારાષ્ટ્ર સરકારના વકીલ અનિલ અંતૂરકરે મંગળવારે કોર્ટને માહિતી આપી હતી કે ત્રણ પેન્ડિંગ ઓર્ડર (૧૫ જુલાઈ, ૧૦ ઓગસ્ટ અને ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ જારી કરવામાં આવેલા) પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટે કરેલા અવલોકનોની ભાવનાને ધ્યાનમાં રાખીને ત્રણેય આદેશો પાછા ખેંચવામાં આવે છે. તેમણે કહ્યું કે રાજ્યની કારોબારી સમિતિની બેઠક ૨૫ ફેબ્રુઆરીએ થશે ત્યાર બાદ નવી સૂચનાઓ જારી કરવામાં આવશે.
બેન્ચે કહ્યું કે સોમવારે મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસની સંખ્યા ૨૦ મહિનામાં સૌથી ઓછી છે. બેન્ચે કહ્યું, ‘અમને આશા છે અને માનીએ છીએ કે કોવિડ-૧૯ના કેસોમાં ઘટી રહેલા વલણને ધ્યાનમાં રાખીને રાજ્ય કારોબારી સમિતિ ૨૫ ફેબ્રુઆરીએ યોગ્ય ર્નિણય લેશે.’ બોમ્બે હાઈકોર્ટમાં લોકલ ટ્રેનોમાં માત્ર ડબલ વેક્સિનેટેડ લોકોને પ્રવેશ આપવા સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે.HS