લોકવારસાને ધબકતો રાખવા વિરાસત સંગીત સમારોહના આયોજન બદલ વહિવટી તંત્રને અભિનંદન : ભિખુદાન ગઢવી
વિરાસત સંગીત સમારોહના બીજા દિવસે પદ્મશ્રી ભિખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી અને સંગીતા લાબડીયાએ લોકસંગીતની સુરાવલીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
બોલીવુડ પાશ્વ ગાયિકા રીચા શર્માએ હિન્દી ગીતો રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા
જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ કલેક્ટરશ્રી, ડિસ્ટ્રીક્ટ સિવીલ જજશ્રી તથા સંગીત નાટક એકેડેમીના ચેરમેનશ્રીની ઉપસ્થિતીમાં રાણીની વાવ ઉત્સવની પૂર્ણાહૂતી
પાટણ: પાટણ ખાતે રાણીની વાવના આંગણે આયોજીત દ્વિ-દિવસીય સંગીત સમારોહના બીજા દિવસે બોલીવુડ પાશ્વ ગાયિકા રીચા શર્મા, પદ્મશ્રી ભિખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી અને સંગીતા લાબડીયાએ વિવિધ સંગીત કાર્યક્રમો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી દ્વિતીય દિવસના કાર્યક્રમો માણ્યા હતા. સાથે જ બે દિવસ ચાલનારા વિરાસત સંગીત સમારોહની પૂર્ણાહૂતી થઈ હતી.
સમારોહના બીજા દિવસે પદ્મશ્રી ભિખુદાન ગઢવીએ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાની વાતો રજૂ કરી હતી. આપણી ધરતીની સંસ્કારીતાના અનેક ઉદાહરણો સાથે ગુજરાતની સંસ્કૃતિ અને લોકવારસાનું ગૌરવગાન કર્યું હતું. સાથે જ તેમણે વહિવટી તંત્રને અભિનંદન આપતા જણાવ્યું કે, વિરાસત સંગીત સમારોહ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપણે લોકવારસાને ધબકતો રાખી શકીશું.
સાથે સાથે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક બિહારી હેમુ ગઢવી અને સંગીતાબેન લાબડીયાએ લોકહ્રદયમાં સ્થાન પામેલા લોકગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તો બોલીવુડ પાશ્વ ગાયિકા રીચા શર્માએ બોલીવુડના જાણીતા ગીતો રજૂ કરી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.
યુવા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સંગીત નાટક અકાદમી અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત રાણીની વાવ ઉત્સવ વિરાસત સંગીત સમારોહના બીજા દિવસે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે.પારેખ, અધિક નિવાસી કલેક્ટર શ્રી મુકેશભાઈ પરમાર, મદદનીશ કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે, ડિસ્ટ્રીક્ટ સિવિલ જજ શ્રી બી.એસ.ઉપાધ્યાય, ફેમિલી જજ શ્રી એ.કે.ગુપ્તા તથા વહિવટી તંત્રના સર્વે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણના નાગરીકોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા વહિવટી તંત્રના સંકલનમાં રહી કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.